એટીએમમાં ચેડાં કરીને ગ્રાહકોના રૃપિયાની ચોરી કરતો ભેજાબાજ ઝડપાયો
મશીનમાં જે સ્થળેથી રૃપિયા નીકળે ત્યાં પટ્ટી ચોંટાડી દેતો હતો : ગ્રાહકના ગયા પછી અંદર જઇ રૃપિયા લઇ લેતો
વડોદરા,સ્ટેટ બેન્કના એટીએમમાં ચેડાં કરીને ૩૫,૫૦૦ રૃપિયા ચોરી કરનાર ભેજાબાજને ડીસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે અન્ય એક ગુનો કરતા પહેલા ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૃપિયા, મોબાઇલ અને બાઇક કબજે કર્યા છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક કસ્ટમરે બેન્ક મેનેજરને ફરિયાદ કરી હતી કે, મેં ગત ૭ મી એપ્રિલે બપોરે ૧થ૪૫ વાગે ઊમ સોસાયટીના એટીએમ માંથી ૪,૫૦૦ રૃપિયા ઉપાડવા ટ્રાન્જેક્શન કર્યું હતું . પરંતુ, રૃપિયા નીકળ્યા ન હતા અને મારા એકાઉન્ટ માંથી રૃપિયા ડેબિટ થઈ ગયા હતા. આવી જ ફરિયાદ બીજા એક કસ્ટમરે પણ કરી હતી કે, ગત ૨૦ મી એપ્રિલે બપોરે ૧૨થ૧૫ વાગે મેં ઊમ સોસાયટીના એટીએમ માંથી ૯૦૦૦ રૃપિયા ઉપાડવા ટ્રાન્જેક્શન કર્યું હતું રૃપિયા નીકળ્યા ન હતા પરંતુ મારા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા હતા. જે અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં પણ આવો બનાવ બન્યો હતો. જેમાં ગ્રાહકે તાંદલજાના એટીએમમાં રૃપિયા ગુમાવ્યા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. દરમિયાન ડીસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તેમજ આવા પ્રકારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓની પણ વિગતો મેળવતા રોહિત ઉર્ફે શોભીત રાકેશપ્રસાદ મિશ્રા (રહે. મુજમહુડા વસાહત, વડોદરા મૂળ રહે. યુ.પી.)ની વર્તણૂંક શંકાસ્પદ જણાઇ આવી હતી. રોહિત મિશ્રા હાલમાં વાસણા રાણેશ્વર મંદિર ચાર રસ્તા પાસેના એટીએમની આસપાસ શંકાસ્પદ વર્તણૂંક કરતો હોવાની માહિતીના આધારે ડીસીબી પોલીસે સ્થળ પર જઇને તેને ઝડપી પાડયો હતો. શકમંદે મોંઢા પર માસ્ક પહેર્યુ હતું. તેની બેગમાંથી પ્લાસ્ટિકની ત્રણ નાની પટ્ટી, નાનું કટર તથા ૩ ફેવી ક્વિકની ટયૂબ મળી આવી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત બંને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, એટીએમમાંથી જે સ્થળેથી રોકડા રૃપિયા બહાર આવે છે. તે સ્થળે પટ્ટી ચોંટાડી દેતો હતો. ગ્રાહક ટ્રાન્જેક્શન કરે ત્યારે રૃપિયા પટ્ટીમાં ફસાઇ જવાના કારણે બહાર નીકળતા નહતા. કસ્ટમરના ગયા પછી તે એટીએમમાં જઇને રૃપિયા કાઢી લેતો હતો.