ATM પર વૃધ્ધ અને મહિલાઓનાે મદદ કરવાના નામે કાર્ડ બદલી ઠગાઇ કરતો ઠગ પકડાયો
વડોદરાઃ એટીએમ પર રૃપિયા ઉપાડવા જતા સિનિયર સિટિઝન અને મહિલાઓને મદદ કરવાના નામે પાસવર્ડ જાણી લઇ અને સિફત પૂર્વક કાર્ડ બદલીને રૃપિયા ઉપાડી લેતા ઢગને પોલીસે ઝડપી પાડયો છે.
છાણીરોડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શકમંદ યુવક પકડાતાં તેની તપાસ દરમિયાન તે એટીએમ પર લોકોને ઠગતો તુષાર અનિલભાઇ કોઠારી (ભાઇલાલ દાદાની ચાલી,ચરોતર બેન્ક પાસે, આણંદ) હોવાનું ખૂલ્યું હતું.
પોલીસના કહ્યા પ્રમાણે,તુષાર એટીએમ પર વોચ રાખતો હતો અને સિનિયર સિટિઝન તેમજ મહિલાઓને રૃપિયા ઉપાડવામાં મદદ કરવાના નામે પાસવર્ડ જાણી લઇ તેમનું કાર્ડ બદલી લેતો હતો.ત્યારબાદ તે કાર્ડમાંથી રકમ ઉપાડી લેતો હતો.થોડાસમય પહેલાં તેણે આજવારોડ મહાવીર હોલ પાસે સ્ટેટ બેન્કના એટીએમ પર એક મહિલાના રૃ.૪૦ હજાર ઉપાડી લીધા હતા.
તુષાર કોઠારીની અગાઉ પણ વડોદરા, આણંદ,નડિયાદ,મુંબઇ જેવા સ્થળોએ ૨૫ જેટલા ગુનામાં સંડોવણી હોવાની માહિતી બહાર આવી છે.