ગોરવામાં બાળ ઇસુ દેવાલયમાં રાતે ચોરે તોડફોડ કરી,ઇસુખ્રિસ્તની મૂર્તિ અને સોનાની ચેન ચોરી ગયો
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં આવેલા ચર્ચમાં ગઇ રાતે ઘૂસી ગયેલા ચોરે તોડફોડ કર્યા બાદ ઇસુખ્રિસ્તની મૂર્તિની ચોરી કર્યાનો બનાવ બનતાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે.
મધુનગર બ્રિજ પાસે આવેલા બાળ ઇસુ દેવાલયમાં ગઇરાતે કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘૂસી ગયેલા ચોરે ઓફિસના કાચ તોડયા હતા અને સામાન વેરવિખેર કર્યો હતો.ત્યાર બાદ તેણે ભગવાન ઇસુની મૂર્તિની આસપાસનો કાંચ તોડી મૂર્તિની પણ ઉઠાંતરી કરી હતી.આ મૂર્તિ પર દોઢ તોલાની સોનાની ચેન પણ રાખેલી હતી.
ચર્ચમાં સભા પુરોહિત તરીકે ફરજ બજાવતા ધર્મગુરૃ જિગ્નેશભાઇ સોલંકીએ સવારે સાડા આઠેક વાગે ચર્ચમાં ગયા ત્યારે એક સેવકે તેમને ઓફિસના દરવાજાનો કાચ તૂટયો હોવાની અને સામાન વેરવિખેર હોવાની જાણ કરતાં તેમણે તપાસ કરી હતી.
આ દરમિયાન કાંચની પેટી વચ્ચે રાખેલી યુરોપથી મંગાવેલી અંદાજે રૃ.એક લાખની કિંમતની ઇસુની મૂર્તિ પણ ગાયબ હતી.જેથી સીસીટીવી કેમેરા ચેક કરતાં ૩૫ વર્ષની આસપાસનો યુવક ચર્ચમાં ઘૂસીને ચોરી કરી જતો નજરે પડયો હતો.ગોરવા પોલીસને જાણ કરતાં પીઆઇ કિરિટ લાઠિયાએ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સને આધારે તપાસ હાથ ધરી છે.