મકરપુરાની વલ્લભ કોલોનીમાં ચોરી કરનાર પાસામાં ધકેલાયો
આરોપી વાહન ચોરીના ગુનામાં પણ સામેલ
વડોદરા,મકરપુરાની વલ્લભ કોલોનીમાં ત્રાટકેલી ચોર ટોળકી બંધ મકાનના દરવાજાની જાળીનો નકુચો તોડીને ૧.૮૩ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરીમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
મકરપુરા વિસ્તારમાં આવેલ વલ્લભ કોલોનીમાં રહેતા નર્મદાબેન જાટવ જી.આઇ.ડી.સી.માં આવેલા મહેન્દ્ર કંપનીના શોરૃમમાં નોકરી કરે છે. ગત તા. ૨૮ મે ના રોજ તેઓ મકાનને લોક કરી પતિ સાથે દીકરાને મળવા તેના ઘરે શ્રી હરિ રેસિડેન્સી ગયા હતા. તેઓ જમી પરવારીને ઘરે આવતા હતા.પરંતુ,વાવાઝોડા સાથે વરસાદ આવતા તેઓ દીકરાના ઘરે જ રોકાઈ ગયા હતા. રાત્રિ દરમિયાન તેમના તથા પાડોશમાં રહેતા નર્મદાબેનના દિયર રાકેશ ચુનીલાલ જાટવ ઘરે પણ ચોરી થયાની જાણ થઈ હતી. રાતે ત્રાટકેલી ચોર ટોળકી મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી બેડરૃમની તિજોરીનો સામાન વેરવિખેર કરી તેમાંથી રૃપિયા ૧.૮૩ લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગઇ હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી સુનિલસીંગ અર્જુનસીંગ બાવરી ( રહે. નવી નગરી, દુમાડ ચોકડી)ની પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પોરબંદર જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે વાહન ચોરીનો પણ એક ગુનો દાખલ થયો છે.