ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાથી ત્રસ્ત સ્ટેશન વિસ્તારમાં રાતોરાત ઓટલો બનાવી દીધો, લારીઓ ગોઠવાઇ ગઇ
ટ્રાફિક સમસ્યા હલ કરવાને બદલે તંત્રને લારી ગલ્લાવાળાઓની ચિંતા થઇ
વડોદરા, વડોદરા રેલવે સ્ટેશન સામે કડક બજાર શાક માર્કેટ આવેલું છે જયાં વર્ષોથી ટ્રાફિક અને પાર્કિંગની બહુ મોટી સમસ્યા છે. પીક અવર્સમાં તો સયાજીગંજ પોલીસ સ્ટેશનથી અલકાપુરી ગરનાળુ પસાર કરતા તો નાકે દમ આવી જાય છે.
કોર્પોરેશન દ્વારા આ સમસ્યા હલ કરવાના બદલે રાતોરાત ઉંચો ઓટલો બનાવી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં રેલવે સ્ટેશન સામેથી વોક વે હતો તે દૂર થતા જે જગ્યા ખુલી થઇ ત્યાં કઇકાલે ૬૦x ૨૦ ફૂટ કરતા પણ મોટો ઓટલો બનાવી દેવામાં આવ્યો છે. જયાં ટ્રાફિક અને પાર્કિંગની આટલી મોટી સમસ્યા છે તે દૂર કરવાના બદલે આટલો મોટો ઓટલો ક્રોપેરશને કોના લાભાર્થે બનાવ્યો તે સવાલ ચર્ચા સ્થાને રહ્યો છે.
હજુ ગઇ સાંજે આ ઓટલો તૈયાર થયો અને સાંજે ત્યાં જે કપચી રેતીના ઢગલા હતા તે સવાર પડતા ઉઠાવી લેવાયા અને આજે સવારે તો ત્યાં લારીઓ પણ ગોઠવાઇ ગઇ. સત્તાવાળાઓએ જાણે કે લારી ગલ્લાવાળાઓનો વિચાર કરીને ઓટલો એવો ઉંચો બનાવ્યો છે કે કોઇ ટુ વ્હીલર ઉપર ચઢાવી ન શકે.
શહેરના એક જાગૃત સિનિયર સિટિઝન ભરતસિંહ ચૌહાણે થોડા દિવસ અગાઉ કડક બજારમાં ટુ વ્હીલર પાર્કિંગની જગ્યામાં ઉભા થયેલા દબાણો માટે મુખ્યમંત્રી, મેયર, મ્યુનિસિપલ કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરી હતી કે કડક બજારમાં શાકભાજી ખરીદવા આવતા લોકો માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનથી નજીકની એક હોટેલ સુધી જે ટુ વ્હીલર પાર્કિંગની જગ્યા છે, ત્યાં લારી ગલ્લા, પથારા અને દુકાનોવાળાઓએ આડશો મૂકી દબાણ કરેલું છે. આ હોટેલ પાસે ૧૦ સ્કુટર રહે તે માટે પાર્કિંગ બોર્ડને ઢાંકી દઇ લારીગલ્લાવાળાઓએ અને ચા વાળાએ કરેલું દબાણ દુર કરવા માગણી કરી હતી.
કોર્પોરેશને આ માંગણી ધ્યાનમાં લેવાને બદલે ઓટલો બનાવી લારી ગલ્લાવાળાઓની વધુ ચિંતા કરી છે એવો આક્ષેપ તેમણે કર્યો છે.