નર્મદામાં પાણી છોડાતાં ઉત્તરવાહિની પરિક્રમાવાસીઓ માટે બનાવેલો હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ
વડોદરાઃ ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે ગઈરાતે નર્મદામાં ૩૦ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાતાં પરિક્રમાવાસીઓ માટે હંગામી ધોરણે બનાવેલો બ્રિજ ધોવાઇને પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
નર્મદાનદીમાં આજે રાતે પણ ત્રણ ટર્બાઇનમાંથી ૨૧ હજાર ક્યુસેક પાણી બહાર આવવાની સંભાવના છે.જેથી પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓની સલામતી માટે પરિક્રમાને રોકી દેવાની ફરજ પડી છે.હજી પણ પાણીની સપાટી વધુ હોવાથી આવતીકાલે બુધવારે પણ પરિક્રમા ચાલુ થાય તેવી શક્યતા ઓછી છે.પરિક્રમાને હવે એક સપ્તા હ બાકી ર હ્યું હોવાથી તેને પુનઃચાલુ કરવા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દરમિયાનમાં જે પરિક્રમાવાસીઓ ગઇકાલે સાંજે રેંગણ થી રામપુરા જવા માટે નર્મદાના કિનારે આવી ગયા હતા તેમને ખાનગી વાહનો દ્વારા રસ્તામાર્ગે નદી ક્રોસ કરાવવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.તો બીજીતરફ જેટી પણ તૂટી ગઇ હોવાથી કલેક્ટર સહિતના અધિકારીઓ સાધુ-સંતો તેમજ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સાથે ચર્ચા કરી રહ્યા છે.
નર્મદા પરિક્રમા રસ્તામાર્ગે કરવા માટે સૂચિત પ્લાન તૈયાર
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ આજે આજે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી.જેમાં સાધુ સંતો, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો,જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર,ગ્રામવિકાસ એજન્સીના નિયામક સહિતના આગેવાનો હાજર હતા.
તંંત્ર દ્વારા ઉત્તરવાહિની યાત્રા માટે રસ્તા માર્ગે વૈકલ્પિક રૃટ રામપુરા ઘાટ, રણછોડજી મંદિર, જુના રામપુરા, માંગરોળ, ગુવાર, શહેરાવ, સોઢલીયા-પાટી, જિઓર, રૃંઢ ચોકડી-પોઈચા, નિલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ, દરિયાપુરા, ચાણોદ, કરનાળી, તિલકવાડા થઈ રેંગણથી વાસણ, અકતેશ્વર બ્રિજ પાર કરી હાઈવે ઉપરથી પસાર થઈ ભાણદ્રા ચોકડીથી સુરજવડ એટલે કે સમારિયા પાટીયા પાસેથી ગંભીરપુરા તરફના પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે શ્રદ્ધાળુઓ વાહન-પગે ચાલીને પરિક્રમા કરવાનો સૂચિત પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.જો કે પરિક્રમાવાસીઓ આ પ્લાન માટે તૈયાર થશે કે કેમ તે એક શંકા છે.
પરિક્રમાવાસીઓનો આશ્રમો અને મકાનોમાં પડાવ
નર્મદા નદીમાં ૩૦ હજાર ક્યૂસેક પાણી છોડાતાં પાણીની સપાટી તેમજ વહેણમાં વધારો થયો છે.જેને કારણે ઉત્તરવાહિની પરિક્રમા હાલ પુરતી રોકી દઇ નજીકમાં રહેતા પરિક્રમાવાસીઓને પરત રવાના કરવામાં આવ્યા છે.જ્યારે ૩૦૦-૪૦૦ કિમી દૂરથી આવેલા પરિક્રમાવાસીઓ આશ્રમ,ખાનગી મકાનો જેવા સ્થળોએ જ્યાં મળે ત્યાં આશરો લઇને રોકાઇ ગયા છે.