બિશ્નોઇ ગેંગનો ૭ લાખનો વિદેશી દારૃ ભરેલો ટેમ્પો ઝડપાયો
ટેમ્પાનું પાયલોટિંગ કરતો બાઇક ચાલક ઝડપાઇ ગયો : ચાર વોન્ટેડ
વડોદરા,બાઇક પર દારૃ ભરેલા ટેમ્પાનું પાયલોટિંગ કરતા બાઇક ચાલકને તાલુકા પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે ટેમ્પાનો ડ્રાઇવર પોલીસને જોઇને ટેમ્પો છોડીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ૭ લાખના વિદેશી દારૃ સહિત ૧૦.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, સમીયાલા ગામ તરફથી વેસ્ટર્ન રોડ થઇ રાયપુરા ચોકડી તરફ વિદેશી દારૃ ભરેલો ટેમ્પો પસાર થઇને ભાયલી ગામ તરફ જનાર છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૃ ભરેલા ટેમ્પાનું પાયલોટિંગ કરતી બાઇકને કોર્ડન કરી બાઇક ચાલકને ઝડપી પાડયો હતો. બાઇકની પાછળ બેસેલો આરોપી અંધારાનો લાભ લઇને ભાગી છૂટયો હતો. તેમજ ટેમ્પાનો ચાલક પણ દારૃ ભરેલો ટેમ્પો છોડીને ભાગી ગયો હતો. પોલીસે બાઇક ચાલક સુરેન્દ્ર ગણપતરામ બિશ્નોઇ ( રહે. ફુલાસર ગામ,તા.કોલાયત, જિ.બીકાનેર,રાજસ્થાન) ને સાથે રાખી ટેમ્પામાં તપાસ કરતા ખાલી કેરેટની આડમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડયો હતો. ટેમ્પાને સેવાસી ચોકી લાવીને તપાસ કરતા વિદેશી દારૃની ૪,૬૨૦ બોટલ કિંમત રૃપિયા ૭.૦૧ લાખ મળી આવી હતી. બાઇક પરથી ભાગી જનાર આરોપી ખાનજી, ટેમ્પાના ડ્રાઇવર, માલ મંગાવનાર કિરણ બિશ્નોઇ ( રહે.જોધપુર, રાજસ્થાન) તથા માલ મોકલનારની પોલીસે શોધખોળ શરૃ કરી છે. પોલીસે દારૃ, ટેમ્પો, બાઇક કુલ રૃપિયા ૧૦.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.