હનુમાનજીનું એવુ મંદિર જ્યાં આજે સવા લાખ શ્રીફળ હવનકુંડમાં હોમવામાં આવશે
વડોદરામાં હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા અને ગોત્રી સહિત વિવિધ વિસ્તારોમાંથી હનુમાનજીની શોભાયાત્રાઓ નીકળશે
વડોદરા નજીક આવેલા હાથીપુરા પંચમુખી હનુમાનજી મંદિરમાં 12 ફૂટ ઊંડો હવનકુંડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સવા લાખ શ્રીફળ હોમવામાં આવશે
વડોદરા : મહિસાગર નદીના કિનારે આવેલા હાથીપુરા સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરમાં મંગળવારે હનુમાન જયંતિ નિમિત્તે યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ યજ્ઞા એટલા માટે વિશેષ છે કે તેમાં સવા લાખ શ્રીફળ હોમવામાં આવશે.
આ માટે મંદિર પરિસરમાં ૧૩ ફૂટની લંબાઇ અને ૧૩ ફૂટ પહોળાઇ ધરાવતો તથા ૧૨ ફૂટની ઊંડાઇ ધરાવતો વિશાળ યજ્ઞાકુંડ તૈયાર કરવામાં આવ્યો છે. સવારે ૯ વાગ્યાથી યજ્ઞાનનો પ્રારંભ થઇ જશે અને સવા લાખ શ્રીફળ હોમાશે ત્યાં સુધી યજ્ઞા ચાલુ રહેશે. આ અનુષ્ઠાનમાં ૫૦ હજારથી વધુ ભક્તો ઉપસ્થિત રહેશે તેવુ મંદિરના મહંતે કહ્યું હતુ.
હરણી ભીડ ભંજન હનુમાનજી મંદિર,વાડી શ્રી મહારૃદ્ર હનુમાન , વાઘોડિયારોડ મહેંદીપુર બાલાજી સહિતના મંદિરોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે
વડોદરામાં મંગળવારે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરો અને રામ મંદિરોમાં યજ્ઞા અને સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પઠન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. તો વિવિધ સ્થળોએથી શોત્રાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
કાલે ચૈત્ર સુદ પુનમ છે. આ દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીનું પ્રાગટય થયુ હતું એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરામાં હરણી ભીડ ભંજન હનુમાનજી મંદિર, કાલાઘોડા પંચમુખી હનુમાનજી મંદિર, વાસણા રોડ પંચમુખી હનુમાનજી મંદિર, સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજી મંદિર, મહેંદીપુર બાલાજીધામ વાઘોડિયા રોડ અને વાડી શ્રી મહારૃદ્ર હનુમાન સંસ્થાન સહિતના વિવિધ હનુમંત મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તેે મંગળવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને અનુષ્ઠાનોના આયોજન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ફતેપુરામાંથી સાંજે ૫ વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જે અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ગાંધી નગરગૃહ થઇને ભક્તિ સર્કલથી રોકડનાથ હનુમાનજી મંદિરે પહોંચીને પૂર્ણ થશે.
ગોત્રી વિસ્તારમા આવેલા ભયભંજન હનુમાનજી મંદિરથી સાંજે ૪ વાગ્યે હનુમાનજી કી સવારીનું પ્રસ્થાન થશે. અંબિકાનગર, ગાયત્રીનગર, ચંદ્રમૌલેશ્વરનગર, પાણીની ટાંકી થઇને મહીનગર સોસાયટી પાસે આવેલા હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થશે. સવારીમાં રામ પરિવાર અને હનુમાજીની વેશભૂષા સાથે કલાકારો જોડાશે જ્યારે ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.યાત્રાના રૃટ પર ગંદકી ના થાય તે માટે સ્વયં સેવકો દ્વારા કચરાની સફાઇ પણ કરવામાં આવશે.