પતંગ ઉડાવતા કિશોરને કરંટ લાગતા ઢળી પડતા મોત
મોતનું ચોક્કસ કારણ પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે
વડોદરા,સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં રહેતો ૧૩ વર્ષનો કિશોર પતરા પર પતંગ ઉડાવવા ગયો હતો. તે દરમિયાન કરંટ લાગતા તેનું મોત થયું છે. જોકે, પોલીસનું કહેવું છે કે, મોતનું કારણ પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.
મળતી માહિતી મુજબ,સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં રહેતો ૧૩ વર્ષનો કિશોર આજે બપોરે ઘરના પતરા પર પતંગ ઉડાવવા ગયો હતો. તે દરમિયાન તેને કરંટ લાગતા તે ઢળી પડયો હતો અને મોત થયું હતું. પરિવારજનોએ કરંટ લાગ્યો હોવાનું જણાવ્યું છે. જોકે, સ્થળ પર પહોંચેલી સયાજીગંજ પોલીસનું કહેવું છે કે, વીજ વાયર કોઇ જગ્યાએથી કપાયેલો નથી. ખરેખર વીજ કરંટ લાગ્યો છે કે અન્ય કોઇ કારણ તે અંગે સ્પષ્ટતા કરવા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. તેમજ આવતીકાલે પી.એમ.થયા પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, કિશોરના પિતાનું આઠ મહિના પહેલા જ મોત થયું છે.