ગણેશ વિસર્જન યાત્રામાં ગયેલી કિશોરીને ગંદા ઇશારા કરી છેડતી
વાડીના માથાભારે શખ્સ સામે પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,ગણેશ વિસર્જન યાત્રામાં ગયેલી ૧૭ વર્ષની કિશોરીને ગંદા ઇશારા કરી તેના ખભા પર હાથ મૂકી છેડતી કરનાર બે યુવકો સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધો.૧૦ સુધીનો અભ્યાસ કર્યા પછી દુકાનમાં નોકરી કરતી ૧૭ વર્ષની કિશોરીની માતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગણેશ વિસર્જનની રાતે ૯ વાગ્યે મારી દીકરી ઘરેથી નીકળી તેની બહેનપણી સાથે ગણેશ વિસર્જન જોવા માટે ગઇ હતી. ગીતામંદિરની બાજુમાં જગન્નાથ એપાર્ટમેન્ટના ગણેશજીની વિસર્જન યાત્રામાં ગરબા રમતા રમતા નવલખી કૃત્રિમ તળાવ તરફ જતી હતી. એપાર્ટમેન્ટના ઘણા રહીશો વિસર્જન યાત્રામાં જોડાયા હતા. મોડીરાતે એક વાગ્યે મારી દીકરીએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, અમે ગરબા રમતા હતા. તે દરમિયાન લહેરીપુરા ગેટથી સૂરસાગર તળાવના મુખ્ય ગેટ પાસે રસ્તા પર અમે પહોંચ્યા ત્યારે જગન્નાથ એપાર્ટમેન્ટમાં રહેતો કૌશિક ઉર્ફે મજનૂ કેથવાસ તથા કૌશિક મારી સામે જોઇને ગંદા ઇશારા કરવા લાગ્યો હતો. હું તેની સામે જોતી ન હતી અને ગરબા રમતી હતી. તે દરમિયાન આ બંને જણાએ પાછળથી મારા ખભા પર હાથ મૂક્યો હતો. હું ત્યાંથી દૂર જતી રહી હતી. હું તેઓને કહેવા જતા તેઓએ મારી સાથે ઝઘડો કરી ગાળો બોલતા હતા. હું રડવા લાગતા આજુબાજુના લોકો ભેગા થઇ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.