માતા-પિતાનો ઝઘડો થતાં સગીરાનું જોખમી કૃત્યઃઘર છોડી નવી બંધાતી બિલ્ડિંગના આઠમા માળે રાત વીતાવી
સમા પોલીસ બિલ્ડિંગમાં ગઇ તો રાતે છુપાઇ ગઇ,પોલીસે શોધી કાઢી હેમખેમ પરિવારને સોંપી
વડોદરાઃ સમા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કન્યાએ નજીવા કારણસર ઘર છોડયા બાદ આચરેલા જોખમી કૃત્યને પગલે પરિવારજનો અને પોલીસ પણ ચોંકી ઉઠયા હતા અને મોટી આફત ટળી હોવાનો અહેસાસ કર્યો હતો.
માતા-પિતા વચ્ચે વાસણ સાફ કરવા જેવી સામાન્ય બાબતની બોલાચાલી થતાં ૧૪ વર્ષની પુત્રી નારાજ થઇ હતી અને ગઇકાલે સાંજે ઘર છોડી ગઇ હતી.જેથી પરિવારજનો તેને શોધવા માટે વિવિધ સ્થળોએ ફરી વળ્યા હતા.
પુત્રીનો પત્તો નહિ લાગતાં સમા પોલીસને જાણ કરવામાં આવી હતી.ડીસીપી પન્ના મોમાયાએ ગૂમ થયેલા બાળકોના કિસ્સામાં પોલીસને આપેલા માર્ગદર્શન મુજબ સમાના પીઆઇ એમ બી રાઠોડે જુદીજુદી ટીમો બનાવી શોધખોળ આરંભી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ ઉપરાંત સગીરાનો ફોટો બતાવી અનેક સ્થળોએ તપાસ કરી હતી.
આખરે ગોલ્ડન ચોકડી ખાતેથી આજે બપોરે સગીરા મળી આવતાં તેને પોલીસ સ્ટેશને લાવી કાઉન્સેલિંગ કરીને પરિવારજનોને સોંપવામાં આવી હતી.પૂછપરછ દરમિયાન સગીરાએ ઘર છોડયા બાદ નવા બંધાતા બિલ્ડિંગના આઠમા માળે રાત વીતાવી હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી.
પોલીસ આ બિલ્ડિંગમાં તપાસ માટે ગઇ હતી.પરંતુ સગીરા છુપાઇ જતાં તેની ભાળ મળી નહતી.સારા નશીબે કોઇ નરપિશાચનો મુગ્ધા પર છાયો પડયો નહતો.નહિંતર તેના અવિચારી પગલાંને કારણે તેની સાથે ગંભીર ઘટના થઇ શકી હોત.