ધુળેટી પૂર્વે દારૃના કટિંગ સમયે જ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી : એક લાખનો દારૃ કબજે
વાઘોડિયા રોડ નાલંદા ટાંકી તથા શાસ્ત્રી બાગ વુડાના મકાન પાસે લિસ્ટેડ બૂટલેગરો સક્રિય
વડોદરા,ધુળેટી પૂર્વે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આજવા રોડ માધવ નગર પાસેથી દારૃ ભરેલી કારનો પીછો કરીને વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પરથી કટિંગ કરતા સમયે જ રેડ પાડી હતી. પોલીસે ૧.૧૨ લાખના દારૃ સહિત ૧૬.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડયા છે.
તહેવાર આવતા જ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમની વડોદરામાં અવર - જવર વધી જાય છે. જ્યારે શહેર પોલીસ ઉંઘતી ઝડપાય છે. અગાઉ ઉત્તરાયણ પહેલા પણ એસ.એમ.સી.ની ટીમે વડોદરામાંથી દારૃનો મોટો જથ્થો કબજે કર્યો હતો. ગઇકાલે રાતે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે આજવા રોડ પરથી દારૃ ભરેલી કારનો પીછો કર્યો હતો. વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર શાંતિ નગર પાસે દારૃના કટિંગ સમયે જ ટીમે રેડ પાડી કારમાંથી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે બે આરોપીઓ ડ્રાઇવર પ્રશાંત રાજુભાઇ જાદવ તથા હેલ્પર રવિ નૌઉમલ કુકરેજા ( બંને રહે. માધવ નગર, આજવા રોડ) ને ઝડપી પાડયા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત જાદવ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે. તેમ છતાંય શહેર પોલીસ તેને પકડી શકતી નહતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, ડભોઇ રોડ શાંતિ નગર સોસાયટીમાં રહેતો ચેતન ઉર્ફે માંજરો મુકેશભાઇ શાહ દારૃનું કટિંગ કરનાર મુખ્ય આરોપી છે. જ્યારે દર્શન શાહ તેનો ભાગીદાર છે. જ્યારે દારૃ મોકલનાર નિલેશ હરેશભાઇ નાથાણી ( રહે.માધવ નગર, આજવારોડ) છે. જ્યારે પ્રકાશ અને સુરેશ દારૃ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હતા. પોલીસે પાંચેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૃ, ચાર વાહનો, બે મોબાઇલ મળી કુલ રૃપિયા ૧૬.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, નાલંદા પાણીની ટાંકી તથા શાસ્ત્રી બાગ વુડાના મકાન પાસે દારૃ વેચતા આરોપીઓને પણ જો સ્થાનિક પોલીસ નહીં પકડે તો ફરીથી એસ.મી.સી.ની રેડમાં પોલીસનું નાક કપાશે.
વાડી ખાનગાહ મહોલ્લામાં દારૃ વેચતો આરોપી ઝડપાયો
વડોદરા, ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાડી ખાનગાહ મહોલ્લા માસૂમ ચેમ્બર્સના દાદરા પાસે દારૃ છે. જેથી,પી.આઇ. આર.જી.જાડેજા તથા એચ.ડી.તુવરની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા અરબાઝ ગુલામ દસ્તગીર શેખ ( રહે. માસૂમ ચેમ્બર્સ) મળી આવ્યો હતો. તેની પાસેના થેલામાંથી પોલીસે વિદેશી દારૃની ૫૪ બોટલ કિંમત રૃપિયા ૧૪,૪૦૦ ની કબજે કરી હતી. આરોપી સામે અગાઉ રાયોટિંગ અને વાહનની ડીકી તોડીને ચોરી કરવાના ગુના નોંધાયા છે.