મુંબઇ એ.ટી.એસ.ની ટીમે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
પાણીગેટ, તાંદલજા,વાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચને સાથે રાખી તપાસ
બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો મેઇલ કરવાના ગુનામાં તપાસ વડોદરા સુધી પહોંચતા મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ વડોદરા આવી પાણીગેટ, ન્યૂ તાંદલજા અને પાદરાના રણુ ગામેથી કુલ ત્રણ શકમંદોને લઇ ગઇ હતી. આજે પણ મુંબઇ એ.ટી.એસ.ની ટીમે ક્રાઇમ બ્રાંચને સાથે રાખીને પાણીગેટ અને તાંદલજા વિસ્તારમાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી.
કેન્દ્રીય નાણાં પ્રધાન અને આરબીઆઇના ગવર્નર બુધવાર સુધી રાજીનામુ નહીં આપે તો બુધવાર બપોરે દોઢ વાગ્યા પછી ૧૧ સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. તેવા ધમકીભર્યા ઇમેલના પગલે આ કેસની તપાસમાં મુંબઇ ક્રાઇમબ્રાંચની ટીમ વડોદરા આવી પાણીગેટ, ન્યૂ તાંદલજા અને પાદરાના રણુ ગામેથી ત્રણ શકમંદોને લઇ ગઇ હતી. તેઓની પૂછપરછ દરમિયાન મળેલી વિગતોના આધારે વડોદરામાં અન્ય પણ ગુનાઇત કૃત્ય થઇ રહ્યું હોવાની આશંકાના પગલે મુંબઇ એ.ટી.એસ.ની ટીમ વડોદરા આવી છે. આજે દિવસ દરમિયાન પાણીગેટ, વાડી અન તાંદલજા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાક સ્થળે દરોડા પાડી ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. જોકે, આ મામલે સ્થાનિક પોલીસ કંઇ બોલવા તૈયાર નથી. ઓપરેશન પૂરૃં થયા પછી મુંબઇ એ.ટી.એસ.ની ટીમ વિગતો જાહેર કરશે. આ તપાસ મોડી રાત સુધી ચાલુ રહી હતી.