ગુજરાતી મૂળના પ્લેયરે અમેરિકામાં ટેબલ ટેનિસના 10 હજાર ખેલાડી તૈયાર કર્યા
Vadodara: અમરિકામાં ટેબલ ટેનિસ ગેમને લોકપ્રિય બનાવવામાં જેમનો મહત્વનો ફાળો ગણાય છે તેમાં મૂળ વડોદરાના રાજુલ શેઠનો પણ સમાવેશ થાય છે. રાજુલ શેઠ 20 વર્ષ પહેલા વડોદરા છોડીને અમેરિકામાં સ્થાઇ થયા અને અત્યાર સુધીમાં તેઓ અમેરિકામાં ટેબલ ટેનિસના 10 હજારથી વધુ ખેલાડીઓ તૈયાર કરી ચુક્યા છે. આ વર્ષે 26 જુલાઇ થી પેરિસમાં ઓલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થઇ રહ્યો છે તેમાં અમેરિકામાંથી ક્વોલિફાઇ થયેલી ટેબલ ટેનિસની બે ખેલાડીઓ પણ રાજુલ શેઠે જ તૈયાર કરી છે.
રાજુલ શેઠે વડોદરાની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે 1994માં ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલમાં હું ગુજરાત ચેમ્પિયન બન્યો હતો.2003માં અમેરિકા ગયો. અત્યારે અમેરિકામાં વિશ્વમાં સૌથી મોટો ટેબલ ટેનિસ પ્રોગ્રામ ચલાવુ છું. આ પ્રોગ્રામ થકી વર્ષ 2012માં 3 ખેલાડીઓ લંડન ઓલિમ્પિકમાં, 2016માં ૪ ખેલાડીઓ રીયો ઓલિમ્પિકમાં, ૨૦૨૦માં ૪ ખેલાડીઓ જાપાન ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થયા હતા. ઓલિમ્પિકના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે કે કોઇ પણ સ્પોર્ટસ પ્રોગ્રામમાંથી એક જ ઓલિમ્પિકમાં ચાર ખેલાડીઓ પસંદ પામ્યા હોય. આ યોગદાન બદલે અમેરિકાએ મારૃ કોમ્યુનિટી હીરો એવોર્ડથી વર્ષ ૨૦૧૯માં સન્માન કર્યુ હતું.મારોે 18 વર્ષનો પુત્ર વેદ શેઠ અત્યારે અમેરિકામાં ટેબલ ટેનિસમાં નંબર 2 રેંકનો ખેલાડી ગણાય છે.