કપડવંજના ફુલજીના મુવાડા ગામેથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો
ચાર વર્ષના બાળકને હિંમતનગર સારવાર અર્થે ખસેડાયો
આરોગ્ય વિભાગે ગામમાં સર્વે હાથ ધર્યો સેમ્પલ લીધા, દવાનો છંટકાવ કર્યો
કપડવંજ: કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડા ગામે ચાર વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જે અંગેની જાણ થતા જ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફુલજીના મુવાડા ગામે સર્વે અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કપડવંજ તાલુકાના ફુલાજીના મુવાડા ગામે ગઇકાલે બુધવારે ચાર વર્ષના બાળક નીખીલ જીતેન્દ્રભાઇ ચૌહાણમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી વીએસ ધુ્રવ તેમની મેડિકલની ટીમ સાથે ગામમાં દોડી આવ્યા હતા.
બાળકને તેના પરિવાર દ્વારા સારવાર માટે હિંમતનગર દાખલ કરાયો હતો. આરોગ્ય ખાતાની ટીમે બાળકના ઘરમાંથી ચાર અને આજુબાજુમાંથી ચાર એમ કુલ આઠ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લીધા હતા. તેમજ વેટનરી ડૉક્ટરો દ્વારા દશ જેટલા પશુઓના પણ બ્લડ સેમ્પલ લઇને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા.
આજુબાજુના વિસ્તારોમાં સર્વે કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ચાંદીપુરા વાઇરસ સેન્ડ ફ્લાય માંખીના કરડવાથી થાય છે. તે મચ્છર કરતા નાની હોય છે.
કાચા-પાકા મકાનોની તીરાડોમાં રહે છે. નાના બાળકોએ આખી બાંયના શર્ટ પહેરવા જોઇએ, મકાનમાં રહેલી તીરાડો પુરવી જોઇએ તેમ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.