વડોદરામાં પૂરને કારણે ખેતીને થયેલા નુકાસનનો 59 ટીમો દ્વારા સર્વે,7 દિવસમાં રિપોર્ટ સોંપશે
વડોદરાઃ વડોદરા જિલ્લામાં પૂરને કારણે ખેતીમાં સર્જાયેલી તારાજીનો સર્વે શરૃ કરવામાં આવ્યો છે.જેનો અહેવાલ એક સપ્તાહમાં આપી દેવા માટે સૂચના આપવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી,ઢાઢર, દેવ અને નર્મદા જેવી નદીઓના પાણી તેમજ વરસાદને કારણે ખેતરો જળબંબાકાર થઇ ગયા છે તેમજ પાકનું ધોવાણ થઇ ગયું છે.જેને કારણે ખેડૂતોને મોટો ફટકો પડયો છે.
તો બીજીતરફ પ્રિમોન્સુન કામગીરી અસરકારક નહિ રહેતાં લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.જેને કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરૃ કરાવી દીધો છે.
જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ કહ્યું હતું કે,ગ્રામસેવકો અને તલાટીની કુલ ૫૯ ટીમો સાત તાલુકાઓમાં સર્વે કરી રહી છે.જિલ્લાના કુલ આઠ તાલુકાઓમાં શિનોર તાલુકામાં પછીથી સર્વે કરવામાં આવનાર છે.ટીમોને સાત દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
33 ટકાથી વધુ નુકસાન હશે તે જ ખેડૂતને વળતર મળશે
ખેતીવાડી સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,પાકના નુકસાનના સર્વે માટે કેટલાક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે.જે મુજબ જે ખેડૂતને ખેતીમાં ૩૩ ટકા થી વધુ નુકસાન થયું હશે તેને જ વળતર મળી શકશે. આ ઉપરાંત કેટલો સમય પાણી ભરાઇ રહ્યું, નદીના પાણી ક્યાં સુધી આવ્યા હતા જેવી બાબતો પણ સર્વેમાં આવરી લેવામાં આવતી હોય છે.