Get The App

સાયન્સ ફેકલ્ટીમાં ભણતી વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો

અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું કે, તમે બધાએ મને બહુ પ્રેમ આપ્યો પણ હવે હું જીવવા માંગતી નથી

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News

 સાયન્સ ફેકલ્ટીમાં ભણતી વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો 1 - imageવડોદરા,એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવીને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. સમા પોલીસને અંતિમ ચિઠ્ઠી મળી છે. જેમાં તેણે આ અંતિમ પગલું ભરવા બદલ પરિવારજનોની માફી માંગી છે. પોલીસે આ અંગે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ સમા રોડ  પંચશીલ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષની મોનિકા શ્યામવીર સિંઘ એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. તેના પિતા મથુરા ગયા હતા. તેની માતા અમદાવાદ નોકરી કરતી હોઇ અમદાવાદ હતી. ગઇકાલે  તેનો ભાઇ કોઇ કામ માટે બહાર ગયો હતો. તેના ભાઇ રાઘવેન્દ્રએ વારંવાર ફોન કરવા છતાંય મોનિકાએ ફોન રિસિવ કર્યો નહતો. જેથી, તે ઘરે દોડી આવ્યો હતો.  તેણે જોયું તો બહેને બેડરૃમમાં ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે  પોલીસને જાણ કરવામાં આવતા સમા  પોલીસ સ્ટેશનના  પી.આઇ. એમ.બી.રાઠોડ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન બેડરૃમમાંથી મોનિકાએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. તેમાં તેણે આ પગલું ભરવા બદલ પરિવારની માફી માંગી હતી. તેણે લખ્યું હતું કે, તમે બધાએ મને બહુ  પ્રેમ આપ્યો છે. પણ હવે  હું જીવવા માંગતી નથી. ભાઇ તું બધાનો ખ્યાલ રાખજે. પોલીસે ચિઠ્ઠી  તેમજ મોનિકાનો મોબાઇલ એફ.એસ.એલ. તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, મોનિકાએ પોતાની ચિઠ્ઠીમાં મરવાની જ વાત લખી હતી. જેના પરથી એવું લાગે છે કે, તે ડિપ્રેશનમાં હતી. તે ઘરની બહાર પણ બહુ નીકળતી નહતી. પરિવાર ભારે શોકમાં હોવાથી હજી વધારે પૂછપરછ થઇ શકી નથી.


Google NewsGoogle News