તેજસ્વી વિદ્યાર્થિનીની કારકિર્દી જોખમાઇઃ મોબાઇલ વગર ઉંઘ આવતી નથી,મોડલિંગ-રીલ્સનો નશો ચડ્યો
એવોર્ડ પણ મળ્યા છે,નાપાસ થઇ અને સ્વંતંત્ર રહેવું છે..ઘરછોડવાની ધમકી આપે છે
વડોદરાઃ મોબાઇલના નશાને કારણે એક તેજસ્વી વિદ્યાર્થિનીની કારકિર્દી જોખમમાં મુકાતાં આખરે અભયમની ટીમે વિદ્યાર્થિની અને તેના વાલીઓનું કાઉન્સેલિંગકર્યું હતું.
ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના અગાઉના પરિણામ સારા આવતા હતા અને એવોર્ડ પણ મળ્યા હતા.પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે મોબાઇલને રવાડે ચડી જતાં ધોરણ-૧૦માં એક વિષયમાં નાપાસ થઇ હતી.
માતા-પિતા અને પુત્રી વચ્ચે વારંવાર અણબનાવ બનતાં પુત્રી ઘર છોડીને ચાલી જવાની ધમકી આપી રહી છે.જેથી અભયમની ટીમે વિદ્યાર્થિની તેમજ તેના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી હાલપુરતું સમાધાન કરાવ્યું છે.
વિદ્યાર્થિનીએ કબૂલ્યું હતું કે,તેને મોબાઇલ વગર ઉંઘ આવતી નથી.રીલ્સ બનાવવાનો અને મોડલિંગનો શોખ છે.મોડીરાત સુધી ગેમ રમું છું.અત્યાર સુધી મમ્મીના ફોન પર રીલ્સ બનાવતી હતી.પરંતુ હવે મારો પોતાનો ફોન જોઇએ છે.મારે સ્વતંત્ર પણ રહેવાની ઇચ્છા છે.મારા માતા-પિતા ભૂવાને બોલાવી દોરા-ધાગા કરે છે.
સગીર વિદ્યાર્થિનીએ એમ પણ કહ્યંુ હતું કે,મારા દાદી એમ કહે છે કે હું હાથમાં રહી નથી અને મારા લગ્ન કરાવી દેવા જોઇએ.જેથી થોડા સમય પહેલાં મારા માતા-પિતા મને એક સંસ્થામાં મૂકી આવ્યા હતા.પરંતુ સંસ્થાએ ડોક્યુમેન્ટ બનાવવા કહેતાં અને મારા માતા-પિતા મારા વગર રહી નહિં શકતા એક સપ્તાહ બાદ તેઓ મને ઘેર લઇ ગયા હતા.
તો બીજીતરફ વિદ્યાર્થિનીના માતા-પિતાએ કહ્યું હતું કે,જો પુત્રીની જિદ ન સંતોષાય તો તે ઘર છોડીને ચાલ્યાજવાની વાત કરે છે.જેથીઅભયમે તેઓને સમજાવી લેખિતમાં બાંહેધરી લીધી હતી.