ચૂંટણીમાં થાકેલી પોલીસનો લાભ લઇ 4 માેર્નિંગ વોકર્સના અછોડા લૂંટનાર સાળા-બનેવી ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ મારફતે પીછો કર્યો,વડોદરા છોડે તે પહેલાં રણોલીથી પકડાયા
વડોદરાઃ વડોદરામાં ચૂંટણીનો બંદોબસ્ત કરી થાકેલી પોલીસનો લાભ લઇ વહેલી સવારે એક જ કલાકમાં ભાજપના કોર્પોરેટર ડો.રાજેશ શાહ સહિત ચાર મોર્નિંગ વોકર્સના અછોડા તોડનાર બાઇક સવાર સિકલીગર સાળા-બનેવીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતા.
નિઝામપુરા,ફતેગંજ,રાજમહેલ રોડ અને કમાટીબાગ પાછળ બાલભવન ખાતે ગઇકાલે સવારે ૬ થી ૭ના ગાળામાં કાળા રંગના પલ્સર બાઇક પર ત્રાટકેલા બે લૂંટારાએ ચાર જણાના અછોડા તેમજ મંગળસૂત્ર લૂંટી લેતાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ ,પીસીબી,એસઓજી સહિતની ટીમોને કામે લગાડી હતી.
જે પૈકી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને હેતલ તુવરની ચાર ટીમોએ સીસીટીવી ફૂટેજ પર થી બંને લૂંટારાનું પગેરું શોધતાં તેઓ બાઇક લઇને રણોલી-બાજવા તરફ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી પોલીસની ટીમો રણોલી,બાજવા અને ફર્ટિલાઇઝર નગરમાં જુદા જુદા એક્ઝિટ પોઇન્ટો પર ગોઠવાઇ હતી.
આ દરમિયાન રણોલી પાસેથી નંબર પ્લેટ વગરની બાઇક પર પોલીસને જોઇ બાઇક પાછી વાળી ભાગવા જતા બે અછોડાતોડ ઝડપાઇ ગયા હતા.પોલીસે તેમની પાસે બે અછોડા,એક મંગળસૂત્ર અને ઘરફોડ ચોરી માટેના સાધનો કબજે કર્યા હતા.પૂછપરછ દરમિયાન તેમણે ચારેય અછોડા લૂંટયાની કબૂલાત કરી હતી.પકડાયેલાઓમાં રીઢો ગુનેગાર કબીરસિંગ જોગિન્દરસિંગ ભોંડ (સિકલીગર)(સત્યનારાયણ સોસાયટી, રણોલી મૂળ એકતાનગર,આજવારોડ) અને તેનો રીઢો ગુનેગાર બનેવી સન્નીસિંગ રાજેશ સિંગ ટાંક(સિકલીગર)(વંથલી,ભૂતવાડી પ્લોટ,જૂનાગઢ)નો સમાવેશ થાય છે.
નાગરવાડા અને છાણી જકાતનાકા પાસે બે મોર્નિંગ વોકર્સના અછોડા બચી ગયા
અછોડા તોડવા માટે ત્રાટકેલા કબીરસિંગ અને તેના બનેવી સન્નીસિંગની પૂછપરછ દરમિયાન તેમણે ચાર નહિં પણ છ મોર્નિંગ વોકર્સના અછોડા તોડવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો ખૂલી હતી.જે પૈકી ચારના અછોડા તોડવામાં તેમને સફળતા મળી હતી. જ્યારે,નાગરવાડા વિસ્તારમાં એક મહિલાનો તેમજ છાણી જકાત નાકા ડિંગડોંગ સર્કલ પાસે એક પુરૃષનો અછોડો તોડવામાં તેમને સફળતા મળી નહતી.
સાળા-બનેવીનો ગુનાઇત ભૂતકાળ, બંનેની એક ડઝનથી વધુ ગુનામાં સંડોવણી
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ કહ્યું હતું કે,પકડાયેલા કબીરસિંગ સામે કાર ચોરીને ઘરફોડ ચોરી કરવાના,લૂંટ,મારામારી અને ચેન સ્નેચિંગ જેવા ૧૩ ગુના નોંધાયા છે.જ્યારે,તેના બનેવી સન્નીસિંગ સામે વડોદરા ઉપરાંત જૂનાગઢ,સુરત,રાજકોટ જેવા સ્થળોએ ચેન સ્નેચિંગ,વાહનચોરી,લૂંટ, મારામારી જેવા ૧૦ જેટલા ગુના નોંધાયા છે.
અછોડા તોડ સાળા-બનેવી પાસે કબજે લીધેલી ચીજો
- સોનાની બે ચેન- ૪તોલા
- મંગળસૂત્ર- દોઢ તોલા - કાંડાઘડિયાળ-૨
- તલવાર-૧ - ગણેશીયા-૩ - ડિસમીસ-૫
- પાનાપક્કડ-૩ - કાતર-૪ - કાનસ-૪ - ટોર્ચ