ન્યાયમંદિર પાસે રિક્ષા ચાલક પર દુકાન માલિકનો કાતરથી હુમલો
રિક્ષાનો કાચ તોડી નાંખી હુડ ફાડી નાંખ્યું : ત્રણ સામે ફરિયાદ
વડોદરાન્યાય મંદિર પાસે દુકાન સામે રિક્ષા ઉભી રાખનાર રિક્ષા ચાલક પર દુકાન માલિકે કાતર વડે હુમલો કરી રિક્ષાની તોડફોડ કરી હતી. જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર ગામ શિવપુરમ ફ્લેટમાં રહેતો સાગર ધર્મેન્દ્રભાઇ સરદાર રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યે હું મારી રિક્ષા લઇને વિર ભગતસિંહ ચોક છાશવાલાની દુકાન સામે રોડ પર લાઇનમાં ઉભો હતો. મારી પાછળ બે રિક્ષા વાળા પણ ઉભા હતા. તે દરમિયાન દુકાનના માલિક સિરાજ દૂધવાલા તેમજ તેની સાથે અન્ય બે વ્યક્તિઓ આવ્યા હતા અને મને કહ્યંું હતું કે, અહીંયા રિક્ષા ઉભી રાખવી નહીં. અમારી ઘરાકી પર અસર પડે છે. મેં તેઓને કહ્યું કે, હું તો રોડ પર ઉભો છું. મારી વાત સાંભળીને ત્રણેય જણા મારા પર ઉશ્કેરાઇ ગયા હતા. તેઓએ મારી સાથે ઝપાઝપી કરી હતી સિરાજે કાતર વડે મારા પર હુમલો કરતા ડાબા હાથના બાવડા અને ખભા પર ઇજા પહોંચી હતી. તેઓએ મારી રિક્ષાના કાચ તોડી નાંખ્યા હતા. તેમજ હુડ પણ ફાડી નાંખ્યું હતું. મેં બૂમાબૂમ કરતા અન્ય લોકોએ દોડી આવી મને બચાવ્યો હતો.