અલકાપુરીમાં સિટિ બસની અડફેટે સિનિયર સિટિઝનનું મોત
પત્નીને દાખલ કર્યા હોવાથી મોપેડ લઇને ઘરેથી હોસ્પિટલ જવા નીકળ્યા હતા
વડોદરા,અલકાપુરી જી.ઇ.બી. ત્રણ રસ્તા પાસે સિટિ બસની ટક્કરે મોપેડ સવાર સિનિયર સિટિઝનનું મોત થયું હતું.
ગોત્રી રોડ ઇએસઆઇ હોસ્પિટલ પાસે દિવ્યા હાઉસિંગ કોમ્પલેક્સમાં રમણભાઇ મોરારભાઇ રાઠોડ (ઉ.વ.૭૧) અને તેમના પત્ની લીના બેન રહે છે. નીલાબેનની તબિયત સારી નહીં હોવાથી તેઓને સારવાર માટે ખેડા જિલ્લાના કપડવંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલે સવારે કપડવંજ જવા માટે રમણભાઇ મોપેડ લઇને ઘરેથી વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપો જવા માટે નીકળ્યા હતા. સવારે પોણા સાત વાગ્યે તેઓ પ્રોડક્ટિવિટી રોડ થઇ અલકાપુરી જઇ રહ્યા હતા. તે દરમિયાન જી.ઈ.બી. સર્કલ પાસે એક સિટિ બસના ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરે દોઢ વાગ્યે તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી સિટિ બસના ડ્રાઇવર મહેશ રૃપસીંગભાઇ તડવી ( રહે. વુડાના મકાનમાં, ખિસકોલી સર્કલ પાસે) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.