કચરાની આગને કારણે મોટા બનાવ બનતા હોવા છતાં ગંભીરતાથી નોંધ લેવાતી નથી,રેલવે ટ્રેક પાસે બે વાર આગ લાગી
વડોદરાઃ કચરાની આગને કારણે અનેક મોટા બનાવો બનતા હોવા છતાં આવા બનાવો રોકવા માટે કોઇ ગંભીરતા દેખાડવામાં આવતી નથી.વડોદરા રેલવે ટ્રેક પાસે ઝાડીઓમાં આગ લાગવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વિશ્વામિત્રી નદી પાસે અગાઉ ઝાડીમાં આગ લાગવાને કારણે નજીકની ચિલ્ડ્રન હોસ્પટલ સુધી આગ પહોંચી હતી અને બાળકોને શિફ્ટ કરવા પડયા હતા.આવી જ રીતે પોર નજીક સુંદરપુરા ખાતેના કાળિયાર હરણાંના જંગલમાં ઝાડીઓમાં આગ લાગને કારણે ફાયર બ્રિગેડને નાકે દમ આવી જાય છે.જ્યારે,કોર્પોરેશનના ડમ્પિંગ યાર્ડની આગ કાબૂમાં લેતાં ચાર થી પાંચ દિવસનો સમય લાગ્યો હોવાના બનાવ બન્યા છે.
પોલીસ સ્ટેશનોમાં પણ કચરાની આગને કારણે વાહનો સળગી જવાના વારંવાર બનાવો બન્યા છે.વડોદરા રેલવેના પ્લેટફોર્મ નંબર ૭ નજીક ઝાડીઓ આવેલી હોવાથી ત્યાં પણ આગના બનાવ બનતા હોવાથી ગમે ત્યારે મોટું નુકસાન થવાની શક્યતા છે.ઉપરોક્ત સ્થળે સપ્તાહમાં આગ લાગવાના બે વાર બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.