રિક્ષા સવાર ચોર ટોળકીયે વૃદ્ધાના ૨.૪૫ લાખના દાગીના તફડાવ્યા

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
રિક્ષા સવાર ચોર ટોળકીયે વૃદ્ધાના ૨.૪૫ લાખના દાગીના તફડાવ્યા 1 - image


પોલીસે સીસીટીવીના ફુટેજમાં રિક્ષાના નંબર મળી આવતાં તેની શોધખોળ હાથ ધરી

માણસા :  ગાંધીનગરના સેક્ટર-૨૬માં રહેતા વૃદ્ધા આજે સવારે તેમના બહેન સાથે બિલોદરા ગામે સામાજિક પ્રસંગે જવા માટે નીકળ્યા હતા અને માણસા આવી એક રિક્ષામાં બેસી બિલોદરા જતા હતા ત્યારે રિક્ષામાં અગાઉથી બેઠેલ એક મહિલા સહિત ત્રણ ઈસમોએ વૃદ્ધ મહિલાના હાથમાં પહેરેલી સોનાની બંગડી તેમજ સોનાનો દોરો નજર ચૂકવી ચોરી કરી બંને મહિલાઓને આજોલ ગામ પાસે ઉતારી ચોર ટોળકી ભાગી છૂટી હતી જે બાબતે વૃદ્ધ મહિલાએ રીક્ષા ચાલક સહિત ૪ ઇસમો વિરુદ્ધ ૨.૪૫ લાખના સોનાના દાગીના ની ચોરી બાબતે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર ના સેક્ટર ૨૬ માં કિસાન નગર ખાતે રહેતા નિવૃત્ત પીએસઆઇ રણજીતસિંહ હરિસિંહ ચાવડા ના ૬૫ વર્ષીય પત્ની સુર્યાબા તથા તેમના મોટા બહેન તારાબા બંને જણા આજે સવારે માણસા તાલુકાના બિલોદરા ગામે લગ્ન પ્રસંગ હોવાથી ગાંધીનગરથી માણસા આવ્યા હતા અને ડેપોમાંથી બહાર નીકળી હાઇવે પર કોઈ વાહનની રાહ જોઈને ઉભા હતા તે વખતે તેમની પાસે એક રીક્ષા આવી હતી જેમાં બે પુરુષ ડ્રાઇવરની બાજુમાં બેઠેલા હતા અને એક મહિલા પાછળ બેઠેલી હતી અને સર્યાબાએ બિલોદરા જવાનું પૂછતા રીક્ષા ચાલકે તેમને પાછળ બેસાડયા હતા અને આગળ બેઠેલા બંને પુરુષને પણ પાછળ બેસાડી સર્યાબાના મોટા બહેનને રીક્ષામાં આગળ બેસાડી રીક્ષા ચાલકે બિલોદરા ગામ તરફ જવાને બદલે આજોલ તરફ રિક્ષા જવા દેતા બંને મહિલાઓએ આ બાજુ કેમ રીક્ષા જવા દો છો તેવું પૂછતાં રીક્ષા ચાલકે કહ્યું હતું કે આ મહિલા પેસેન્જરને આજોલ ઉતારી હું તમને બિલોદરા ગામે મૂકી જઈશ તેવું જણાવી આજોલ ગામ આવતા તેણે સુર્યાબા તથા તેમના બહેનને નીચે ઉતારી કહ્યું હતું કે હું આ બહેનને મૂકીને પાછો આવી તમને બિલોદરા મુકવા આવું છું તેવું કહી રિક્ષા લઈ ચારેય ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ સૂર્યાબાએ જોયું તો તેમના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ પૈકી એક બંગડી અને ગાળામાં પહેરેલ સોનાની કંઠી ગાયબ જણાવતા તેમણે અહીં નજીકમાં હાજર એક ભાઈને સમગ્ર બાબતે વાત કરી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં રીક્ષાનો નંબર મળી આવ્યો હતો જેથી તેમણે આ બાબતની જાણ તેમના પતિને કરી ૨ લાખ ૪૫ હજારના ઘરેણાંની ચોરી કરી ભાગી છૂટનાર આશરે ૩૦ થી ૪૦ વર્ષની ઉંમરના મહિલા સહિત ચાર અજાણ્યા ઈસમો  વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News