પત્ની સાથેના આડા સંબંધની શંકાએ નિવૃત્ત શિક્ષકની હત્યા અને લૂંટ કરી
ડોકાતાલવડીનો રમણ પલાસ લૂંટની ખોટી ફરિયાદ કરવા આવ્યો અને પોતે જ ફસાયો ઃ પોલીસે હત્યા અને લૂંટનો ભેગ ખોલી રમણની ધરપકડ કરી
દાહોદ તા.૧૬ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષકની હત્યા કરી રૃા.૪.૭૫ લાખની સનસનાટીભરી લૂંટ પ્રકરણની પોલીસ તપાસમાં પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં નિવૃત્ત શિક્ષકની હત્યા કરી હોવાની વિગતોનો પર્દાફાશ થયો છે.
જીતપુરા ગામે રહેતાં નિવૃત્ત શિક્ષક દંપતી દિપસિંહ માનસિંહ પલાસ તથા તેમની પત્ની રાજમોહીનાબેન બંને રાત્રે ઊંઘતા હતા ત્યારે અઢી વાગ્યાની આસપાસ અજાણ્યા લુંટારૃઓએ મારક હથિયારો સાથે ઘરમાં પ્રવેશી દંપતીને બાનમાં લઈ ધમકીઓ આપી સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકીટ, સોનાની ચેન તેમજ ઘરના આંગણે પાર્ક કરેલ એક ફોર વ્હિલર ગાડી મળી કુલ રૃા.૪.૭૫ લાખની લૂંંટ કરી હતી.
દિપસિંહે લુંટારૃઓનો પ્રતિકાર કરતાં લુંટારૃઓએ કુહાડીના ઉપરાછાપરી ઘા મારી દિપસિંહની હત્યા કરી હતી. રાજમોહિનાબેને બૂમાબૂમ કરતાં લૂંટારૃઓ ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે દાહોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડોકાતલાવડી ગામનો રમણ ભુરસિંગભાઈ પલાસ સંજેલી પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ મથકે જણાવ્યું હતું કે, આઠથી દસ લૂંટારૃઓ આવી મારામારી કરી પોતાના ઘરેથી રૃા.૨.૬૪ લાખ રોકડા તેમજ મોબાઈલ લૂંટી નાસી ગયાં છે.
રમણની પૂછપરછમાં અલગ અલગ જવાબો મળતાં પોલીસને તેના પર શંકા ગઇ હતી. પોલીસને જે સ્થળેથી લૂંટમાં ગયેલી ગાડી મળી હતી તેની પાસેના પગની ફૂટ પ્રિન્ટ લઈ બનાવ સ્થળે મળેલ ફૂટ પ્રિન્ટ સાથે સરખાવતાં ૬૦ ટકા જેટલી મેચ થતી હતી જેથી રમણભાઈની સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને કબૂલાત કરી હતી કે, મૃતક દિપસિંગ પલાસને મારી પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી જેથી બનાવની રાત્રે દિપસિંગની પત્ની બહારગામ લગ્ન પ્રસંગમાં ગયાં હતાં તેનો લાભ લઈ હું દિપસિંગના મકાનની છત પર સંતાઈ ગયો હતો અને રાત્રે ઘરમાં ઘૂસી દિપસિંગની હત્યા અને લૂંટ કરી ભાગી ગયો હતો.
જીતપુરા ગામના લૂંટ વીથ મર્ડરના બનાવમાં પોલીસે રમણ ભુરસિંગભાઈ પલાસને ઝડપી પાડી લૂંટમાં ગયેલ તમામ મુદ્દમાલ કબજે કરવામાં આવ્યો હતો.