Get The App

વર્ષના 365 દિવસ 'ટ્રાફિકજામ'ની સમસ્યા સામે ઝઝૂમતો વડોદરાવાસી

વસ્તીની સરખામણીમાં માળખાગત સુવિધાઓનો વધારો નહી થતા વડોદરા 'સમસ્યાઓ'નું શહેર બની ગયું

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
વર્ષના 365 દિવસ 'ટ્રાફિકજામ'ની સમસ્યા સામે ઝઝૂમતો વડોદરાવાસી 1 - image


વડોદરા : વડોદરામાં જે પ્રમાણમાં વસ્તીનો વધારો થઇ રહ્યો છે તેના પ્રમાણમાં માળખાગત સુવિધાઓનો વધારો નહી થતાં હવે વડોદરા શહેર સમસ્યાઓનું શહેર બની ગયું છે. વડોદરામાં જે સમસ્યાઓ લોકો માટે હવે માથાનો દુઃખાવો બની છે તેમાથી એક છે 'ટ્રાફિકજામ'ની સમસ્યા. રોજ પીક અવર્સમાં વડોદરાના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી રહી છે. લાખો લોકો રોજ હેરાન થઇ રહ્યા છે, પરંતુ આ સમસ્યા તંત્રને સમસ્યા જ લાગતી નથી.

પાર્કિંગ સુવિધા વગરના કોમર્શિયલ બિલ્ડિંગ્સ, રસ્તાઓ ઉપર દબાણો, ઓવર બ્રિજની ખોટી ડિઝાઇન અને ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે ટ્રાફિક સમસ્યા વકરી

કારણ (૧) છેલ્લા ૪ દાયકામાં વડોદરામાં જેટલા પણ કોમર્શિયલ બિલ્ડિંગો બન્યા છે તેમાંથી ૯૯ ટકા બિલ્ડિંગોને પાર્કિંગ સુવિધા વગર જ તંત્રએ મંજૂરી આપી દીધી છે. જે બિલ્ડિંગોના નક્શા પાસ કરાવવા માટે પાર્કિંગ બતાવાયું છે તેમાં બિલ્ડરોએ દુકાનો બનાવીને રોકડી કરી લીધી છે. પરિણામે કોમર્શિયલ બિલ્ડિંગોમાં દુકાન ધરાવતા વેપારીઓ અને ખરીદી માટે આવતા ગ્રાહકોના વાહનો રોડ ઉપર જ પાર્ક થાય છે.
વર્ષના 365 દિવસ 'ટ્રાફિકજામ'ની સમસ્યા સામે ઝઝૂમતો વડોદરાવાસી 2 - image


કારણ (૨)  મુખ્ય માર્ગો ઉપર આવેલા કોમ્પ્લેક્સ અને દુકાનોના વેપારીઓ દ્વારા ફૂટપાથ અને રોડ ઉપર કબજો કરી દેવામાં આવ્યો છે. દુકાનોની બહાર માલ સામાન લટકાવીને અને ફૂટપાથ તથા રોડ ઉપર માલ સામાન મૂકીને દબાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફૂટપાથ ઉપર લારી-ગલ્લા અને પથારાવાળાઓએ પણ કબજો કરી લીધો છે. વડોદરામાં મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ ઉપર જ ગેરકાયદે બજારો ઊભા થઇ ગયા છે.

કારણ (૩)  આખા શહેરમાં રોડ-રસ્તાઓ અને ઓવર બ્રિજની ખોટી ડિઝાઇન તેમાં મુખ્ય કારણ છે. પાંચ કિ.મી.નો અટલ બ્રિજ, ગોત્રી હરિનગર ઓવર બ્રિજ, લાલબાગ ઓવર બ્રિજ તેના નમૂના છે. ઓવર બ્રિજ  બન્યા બાદ ટ્રાફિક સમસ્યા હળવી બનવી જોઇએ તેના બદલે ટ્રાફિક સમસ્યા અગાઉ કરતાં અનેક ગણી વધી ગઇ છે. શાસ્ત્રી  બ્રિજ પાસે રોજ સાંજે પીક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે.

વર્ષના 365 દિવસ 'ટ્રાફિકજામ'ની સમસ્યા સામે ઝઝૂમતો વડોદરાવાસી 3 - image

કારણ (૪)  સવારે ૮ થી બપોરે ૧ અને સાંજે ૪ થી રાતના ૧૦ દરમિયાન શહેરમાં ટ્રક, ટ્રેલર, ટેન્કર, ડમ્પર, કોન્ક્રિટ મિક્સર, અર્થ મૂવર, લક્ઝરી બસો, બુલડોઝરો જેવા હેવી વાહનોના પ્રવેશ ઉપર સંપૂણ પ્રતિબંધ હોવા છતાં પોલીસના ખિસ્સા ગરમ કરીને આ વાહનો શહેરના માર્ગો ઉપર ૨૪ કલાક દોડતા નજરે પડે છે. હેવી ટ્રાફિકમાં પણ આવા હેવી વાહનોના પીધેલા ડ્રાઇવરો ફૂલ સ્પીડમાં વાહનો દોડાવીને અકસ્માતો કરી રહ્યા છે.

કારણ (૫)  ટ્રાફિક પોલીસની કામગીરી ટ્રાફિક વ્યવસ્થાપનની હોવી જોઇએ. શહેરના માર્ગો ઉપર ટ્રાફિક સરળતાથી પસાર થઇ શકે તે માટે આયોજન કરવું જોઇએ તેના બદલે ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને જવાનો ચાર રસ્તાઓ ઉપર એક ખૂણામાં બેસીને ગપ્પા મારતા નજરે પડે છે. કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન માટે ઊભા કરી દેવાય છે, જેને ખુદને ટ્રાફિકના નિયમો ખબર નથી.


Google NewsGoogle News