ગોધરાના રહીશને ૧૦ વર્ષની સજા અને ૪ લાખ દિરહામનો દંડ
ગોધરાની ત્રણ મહિલા સહિત ચાર અગાઉ દવાઓના જથ્થા સાથે દુબઈમાં ઝડપાયા છે
ગોધરા,દુબઈમાં પ્રતિબંધિત દવાઓના જંગી જથ્થા સાથે ઝડપાયેલા ગોધરાના એક રહીશને ૧૦ વર્ષની સજા સાથે ચાર લાખ દિરહામનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની ચર્ચા ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં થઈ રહી છે.
૧ વર્ષ પહેલા દુબઈ ગયેલા ગોધરાના સુલેમાન પાસેથી દુબઈ એરપોર્ટ પર પ્રતિબંધિત દવાઓનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. દુબઈ સહિત સંયુક્ત આરબ અમીરાતનું ચલણ દિરહામ છે. એક દિરહામ બરાબર ભારતના રૃા.૨૨.૯૦ થાય છે.
દુબઈ એરપોર્ટ પોલીસે પ્રતિબંધિત દવાઓના જંગી જથ્થા સાથે સુલેમાને દુબઈ પોલીસના હવાલે કરાયો હતો. સુલેમાન સામે ત્યાંના કાયદાઓ પ્રમાણે હાથ ધરાયેલી કાયદાકીય કાર્યવાહીના અંતે દુબઈની જેલમાં બંધ સુલેમાનને ઉક્ત સજા ફરમાવી હતી.
આ બનાવ બાદ ત્યાંના જેદ્દાહ એરપોર્ટ અને અન્ય એક એરપોર્ટ પરથી ગોધરાની ત્રણ મહિલાઓ સમેત એક રાજકીય કાર્યકરની પણ પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનની જેલોમાં બંધ છે. જો કે ઉક્ત સજા બાદ પ્રતિબંધિત દવાઓના જથ્થાને દુબઈમાં ઘૂસાડવા માગતા દવાઓના સોદાગરો ફફડી ઊઠયા છે.