બરોડા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરે ડિપ્રેશનમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો

ડયૂટિ પર નહીં જતા સાથી મિત્રોએ હોસ્ટેલની રૃમ પર જઇ તપાસ કરતા બનાવની જાણ થઇ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
બરોડા મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરે ડિપ્રેશનમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો 1 - image

વડોદરા,બરોડા મેડિકલ કોલેજની પી.જી.  હોસ્ટેલમાં રહેતા ૨૮ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આજે સવારે હોસ્ટેલની રૃમમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. અભ્યાસના ભારણના કારણે તે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતો હોવાથી આપઘાત કર્યો હોવાનું તારણ પોલીસની  પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. 

મૂળ ચેન્નાઇનો સહાયા  જેરીન ઝેવિયર ( ઉં.વ.૨૮) બરોડા મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં એક વર્ષથી રેસિડેન્ટ ડોક્ટર હતો. હાલમાં તે પી.જી.  હોસ્ટેલની રૃમ નંબર - ૧૬ માં રહેતો હતો. આજે સવારે તેને ડયૂટિ પર જવાનું હતું. પરંતુ, સમય થઇ ગયો હોવાછતાંય તે ડયૂટિ પર નહી ં જતા તેના સાથી ડોક્ટર્સે તેને કોલ કર્યા હતા. પરંતુ, તેને ફોન રિસિવ કર્યો નહતો. જેથી, તેઓ રૃમ પર તપાસ કરવા ગયા હતા. રૃમનો દરવાજો ખખડાવવા છતાંય તેણે નહીં ખોલતા સાથી મિત્રોએ દરવાજો તોડી નાંખ્યો હતો. રૃમનો દરવાજો તૂટતા તેઓએ જોયું તો સહાયાએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.કે. કટારિયાએ સ્થળ પર જઇને મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો હતો. પી.એમ. પછી મૃતદેહ તેની માતાને સોંપવામાં આવ્યો હતો. મૃતદેહને ચેન્નાઇ લઇ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


યુક્રેનથી એમ.બી.બી.એસ. પાસ કર્યુ હતું

વડોદરા,સયાજી હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આપઘાત કરનાર ડોક્ટરે એમ.બી.બી.એસ.નો અભ્યાસ યૂક્રેનથી પૂરો  કર્યો હતો. ત્યારબાદ અહીંયા આવી ઓલ ઇન્ડિયાના મેડિકલ ટેસ્ટને  પાસ કરી પી.જી. નીટની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેણે ગયા વર્ષે જ બરોડા મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. 


મનોચિકિત્સકને ડોક્ટરે કહ્યું હતું કે, મને આપઘાત કરવાના વિચારો આવે છે

વડોદરા,રેસિડેન્ટ ડોક્ટર છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. મનોચિકિત્સક વિભાગમાં તેની દવા  પણ ચાલતી હતી. તપાસ દરમિયાન પોલીસને એવી પણ વિગતો મળી  છે કે, તેણે મનોચિકિત્સક સમક્ષ પણ એવી કેફિયત રજૂ કરી હતી કે, મને આપઘાત કરવાના વિચારો આવે  છે. મનોચિકિત્સકે તેનું કાઉન્સલિંગ કરી આરામ કરવા માટે સલાહ આપી હતી. તેની આવી તબિયતના કારણે તેની માતાને  પણ ચેન્નાઇથી બોલાવી લેવામાં આવી હતી.


માતા છેલ્લા ત્રણ મહિનાથી પુત્ર સાથે રહેવા વડોદરા આવી હતી

વડોદરા,પુત્રની નાદુરસ્ત તબિયતના કારણે તેની માતા છેલ્લા ત્રણ મહિનાથી તેની સાથે રહેવા માટે વડોદરા આવી હતી. માતા અને પુત્ર વાસણા રોડ પર ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યા હતા. આરામ કર્યા પછી સહાયાએ ફરીથી નોકરી શરૃ કરી હતી. આજે સવારે સાત વાગ્યે માતાને નોકરી પર જવાનું કહી તે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ, ડયૂટિ પર જવાના બદલે તે હોસ્ટેલમાં તેને  ફાળવેલા રૃમ પર પહોંચી ગયો હતો. જ્યાં તેને ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.



રેસિડેન્ટ ડોક્ટર સામાન્ય માછીમાર પરિવારનો દીકરો હતો

વડોદરા,સયાજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આપઘાત કરનાર રેસિડેન્ટ ડોક્ટર સામાન્ય માછીમાર  પરિવારમાંથી આવ્યો  હતો.  તેની માતા ઘરકામ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે, તેના પિતા  હયાત નથી. તેનો મૃતદેહ આવતીકાલે હવાઇ માર્ગે ચેન્નાઇ લઇ જવામાં આવશે. તેની માટે જરૃરી વ્યવસ્થા તંત્ર દ્વારા કરી આપવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, પુત્રનો મૃતદેહ જોઇને  તેની માતા બેભાન જેવા થઇ ગયા હતા.


૧૧ દિવસમાં બે રેસિડેન્ટ ડોક્ટરના મોત થયા

 વડોદરા,થોડા સમય પહેલા સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર બૂલેટ લઇને આણંદ ગયા હતા. ત્યાંથી  પરત આવતા સમયે વાસદ બ્રિજ પર બૂલેટ સ્લિપ થઇ જતા તેઓને ગંભીર ઇજા થતા મોત થયું હતું.

જ્યારે આજે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના  રેસિડેન્ટ ડોક્ટર સહાયા ઝેવિયરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. ૧૧ દિવસમાં પી.જી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બે ડોક્ટર્સના આપઘાતના પગલે કોલેજમાં સન્નાટો છવાઇ ગયો છે.


Google NewsGoogle News