મોડીરાતે વાસદ બ્રિજ પર બૂલેટ સ્લિપ થઇ જતા રેસિડેન્ટ ડોક્ટરનું મોત
રેસિડેન્ટ યુવતીને ગંભીર ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
વડોદરા,મોડીરાતે બૂલેટ પર આણંદથી વડોદરા આવતા બે રેસિડેન્ટ ડોક્ટરને અકસ્માત નડતા એકનું મોત થયું છે. જ્યારે ડોક્ટર યુવતીને ગંભીર ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. યુવાન ડોક્ટરનું મોત થતા કોલેજમાં શોક છવાઇ ગયો છે. બનાવ અંગે વાસદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બરોડા મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર વ્રજ પટેલ અને આંખ વિભાગના રેસિડેન્ટ ડોક્ટર મહિમા ડામોર ગઇકાલે રાતે બૂલેટ લઇને આણંદ મિત્રને મળવા ગયા હતા. મોડીરાતે દોઢ વાગ્યે તેઓ બૂલેટ લઇને વડોદરા પરત આવી રહ્યા હતા. વાસદ મહિસાગર નદીના બ્રિજ પર બૂલેટ સ્લિપ થઇ જતા બંને રોડ પર પટકાયા હતા. બંનેને માથા તથા પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ, વ્રજ પટેલનું મોત થયું હતું. જ્યારે મહિમા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની તબિયત સ્થિર છે.
પી.જી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા યુવકના મોતના પગલે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં શોક પ્રસરી ગયો હતો. સયાજી હોસ્પિટલમાં વ્રજના મૃતદેહનું પી.એમ. કરી તેના પરિવારને સુપરત કરી દેવામાં આવ્યો છે.
બંને ડોક્ટર્સના પરિવારજનો સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા
વડોદરા,વ્રજ પટેલ ગાંધીનગરના પેથાપુરા ગામમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહે છે. અકસ્માતની જાણ કરવામાં આવતા તેના પિતા વિનોદભાઇ સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. સવારે પી.એમ. કર્યા પછી સાડા દશ વાગ્યે પરિવારજનોેને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જ્યારે મહિમા ડામોર હાલમાં સયાજી હોસ્પિલમાં સારવાર હેઠળ છે. અકસ્માત કઇ રીતે થયો ? તે અંગે હજી જાણી શકાયું નથી. મહિમાનું નિવેદન લીધા પછી અકસ્માત કઇ રીતે થયો ? તેની વિગતો બહાર આવશે.
બૂલેટ ચાલકે હેલમેટ પહેર્યો હોત તો જીવ બચી જાત
વડોદરા,ટ્રાફિકના નિયમોને અવગણતા વાહન ચાલકો માટે આ ચેતવણીરૃપ કિસ્સો છે.રાતે વરસાદના કારણે રોડ પણ ભીના હશે. તેમજ બૂલેટ ચલાવતા વ્રજ પટેલે જો હેલમેટ પહેર્યો હોત તો માથામાં ગંભીર ઇજા થાત નહીં અને તેનો જીવ બચી જાત.
વરસાદમાં રોડ ભીના હોવાથી બૂલેટ સ્લિપ થઇ ગયું
વડોદરા,પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, બંને ડોક્ટર્સ જ્યારે બૂલેટ પર આવી રહ્યા હતા તે સમયે મોડીરાતે વરસાદ પડતો હતો. રોડ ભીના હોવાના કારણે બૂલેટ સ્લિપ થઇ જતા તેઓના મોત થયા હોવાનું અનુમાન છે. ઘટના સ્થળની નજીકના ટોલ નાકા તેમજ અન્ય સીસીટીવીના ફૂટેજ મેળવવાના પ્રયાસો પોલીસ કરી રહી છે.