Get The App

અલકાપુરી ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજ બનશે

૬૧૬ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ ઓવરબ્રિજની ઘોષણા કરી

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
અલકાપુરી ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજ બનશે 1 - image

વડોદરા,વડોદરામાં દર વર્ષે ચોમાસામાં માથાના દુખાવારૃપ બની જતા અલકાપુરી ગરનાળા ઉપર રેલવે ફલાઈ ઓવર બ્રિજ બાંધવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરામાં ૬૧૬.૫૪ કરોડના વિકાસના જુદા જુદા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આ ઘોષણા કરી હતી.

અલકાપુરી ગરનાળામાં દર વર્ષે ભારે વરસાદના પગલે અને વિશ્વામિત્રીમાં પાણીનું લેવલ વધે તે સાથે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થતાં ભારે મુશ્કેલી થાય છે. લોકોને પશ્ચિમ વિસ્તારમાં આવજા કરવા હાડમારી થાય છે અને બીજા વૈકલ્પિક બ્રિજોનો ઉપયોગ કરવો પડે છે, જેના લીધે ત્યાં પણ ટ્રાફિક જામમાં વાહનો અટવાય છે. આ સમસ્યાના નિવારણ માટે અલકાપુરી ગરનાળા પર ઓવર બ્રિજ બનાવવા અગાઉ રજૂઆતો પણ થઈ હતી. જેમાં આજે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બરોડામાં અલકાપુરી રેલવે અન્ડર પાસ છે. ટૂંક સમયમાં જ રેલવે ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વસ્તરની માળખાકીય સુવિધા ધરાવતા રાજ્યના દસ નગરોના નિર્માણમાં વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ આઉટ ગ્રોથ વિસ્તારોમાં વિકાસ માટે વડોદરાને રૃ.૬૮ કરોડ અને વડોદરા મહાનગર પાલિકાને શહેરી વિકાસ માટે રૃ.૭૫૬ કરોડની ફાળવણી કરી છે. વડોદરાના વિકાસ માટે ભંડોળની ફાળવણીમાં કોઈ કમી નહી રખાય એવો સંકેત તેમણે આપ્યો હતો.

વડોદરાના સાંસ્કૃતિક વારસાના જતનની નેમ વ્યક્ત કરતા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે, વડોદરામાં દર ત્રણ ચાર મહિને વિકાસનો ઉત્સવ ઉજવાય છે. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા


Google NewsGoogle News