દારૃની ૧.૪૮ લાખ બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું
રૃા.૨.૩૬ કરોડના દારૃના મુદ્દામાલનો નાશ કરાયો
વડોદરા, તા.22 વડોદરા શહેરના ઝોન-૩માં આવતા ચાર પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયેલા રૃા.૨.૩૬ કરોડ કિંમતની દારૃની બોટલો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું.
ઉલ્લેખનીય છે કે શહેર પોલીસના મકરપુરા, માંજલપુર, વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા કુલ ૧૪૮૫૭૬ બોટલો કબજે કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દારૃના કબજા બાદ તેનો નાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ અંગે કોર્ટમાંથી પરવાનગી મેળવવામાં આવી હતી. બાદમાં આજે વડોદરા નજીક આવેલા ચિખોદ્રા ગામની સીમમાં દારૃનો નાશ કરવાનું નક્કી કરાતા તમામ મુદ્દામાલ ત્યાં લઇ જવાયો હતો.
દરમિયાન પોલીસ અધિકારીઓ, એસડીએમ તેમજ નશાબંધી ખાતાના અધિકારીઓની હાજરીમાં આજે રૃા.૨.૩૬ કરોડની કિંમતના દારૃના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.