કારમાં લઈ જવાતો વિદેશી દારૃ અને બીયરનો જથ્થો પકડાયો

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
કારમાં લઈ જવાતો વિદેશી દારૃ અને બીયરનો જથ્થો પકડાયો 1 - image


ગાંધીનગર નજીક ભાટ ટોલટેક્સ પાસે

પોલીસને જોઈ કાર દૂર ઊભી રાખીને ડ્રાઇવર ફરાર થયો પણ સાગરીત ઝડપાયો : ૪.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે અડાલજ પોલીસે ભાટ ટોલટેક્સ પાસે કારમાં લઈ જવાતા વિદેશી દારૃના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે જ્યારે તેનો ડ્રાઇવર ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ૪.૮૩ લાખ રૃપિયાના મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃના જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને નાના-મોટા બુટલેગરો દ્વારા આ દારૃને જે તે સ્થળે પહોંચાડીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય બાતમી મળી હતી કે, રીંગ રોડ ઉપર કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને ભાટ ટોલટેક્સથી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસે ભાટ ટોલટેક્સ પાસે સવસ રોડ ઉપર વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા આડસો મૂકીને તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે પોલીસને જોઈ કારના ચાલકે દૂરથી જ કાર ઊભી રાખી દીધી હતી અને કારમાંથી ઉતરીને ભાગી છૂટયો હતો. બીજી બાજુ પોલીસ દોડીને કાર બાજુ પહોંચી ગઈ હતી એને તેમાં આગળની સીટ ઉપર બેઠેલા શખ્સને ઝડપી લીધો હતો. કારમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૃની ૨૪૨ બોટલ અને ૪૮ નંગ બિયરના ટીમ મળી આવ્યા હતા. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે બનાસકાંઠાના દાંતીવાડાના ભખાર મોટી ગામનો ગુલાબસિંહ દશરથસિંહ વાઘેલા હોવાનું જણાવ્યું હતું અને કારચાલક પણ દાંતીવાડાના પાથાવાડાનો પ્રકાશ ઠાકોર હોવાની કબુલાત કરી હતી. જેણે કારમાં બેસીને અમદાવાદ ખાતે દારૃ પહોંચાડવા માટે ૫૦૦૦ રૃપિયા આપવાની પણ વાત કરી હતી. હાલ પોલીસે કાર અને દારૃ મળી ૪.૮૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે અને ફરાર પ્રકાશ ઠાકોરની શોધખોળ શરૃ કરી હતી.


Google NewsGoogle News