શહેરના સેક્ટર-26માં પાયલ ટ્રેડર્સમાંથી અમુલના ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત કરાયો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
શહેરના સેક્ટર-26માં પાયલ ટ્રેડર્સમાંથી અમુલના ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત કરાયો 1 - image


કોર્પોરેશનની ફૂડ સેફટી શાખા અને પોલીસના દરોડા

એક વ્યક્તિની અટકાયત કરીને ઘીનો ૨૧૩ કિલોનો જથ્થો સીઝ કરાયો : ટ્રેડર્સનું લાયસન્સ બે મહિના માટે સસ્પેન્ડ

ગાંધીનગર : હાલમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ વધી રહી છે ત્યારે પોલીસ અને ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગઈ રાત્રે સેક્ટર ૨૬માં આવેલી પાયલ ટ્રેડર્સમાં દોરડો પાડવામાં આવ્યો હતો અને અહીં અમૂલના ડુપ્લીકેટ ઘીના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો હતો ડબ્બા અને પાઉચમાં રહેલો આ ૨૧૩ કિલોનો જથ્થો સીઝ કરીને ટ્રેડર્સનું લાયસન્સ ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

અત્યારે સ્થિતિ એવી છે કે લોકો રૃપિયા ખર્ચવા છતાં શુદ્ધ ચીજ વસ્તુઓ મેળવી શકતા નથી. કેમકે ભેળસેળિયા અને ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનો વેપાર કરતા તત્વો વધી ગયા છે. થોડા સમય અગાઉ જ સેક્ટર ૨૬માં આવેલી ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીં બનાવટી દૂધ પણ મળી આવ્યું હતું ત્યારે શહેરના સેક્ટર ૨૬માં આવેલી જીઆઇડીસીમાં પાયલ ટ્રેડર્સમાં ડુપ્લીકેટ ઘીનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીને પગલે ગાંધીનગર એલસીબી અને કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ગઈ રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ અહીં તપાસ અર્થે પહોંચી ત્યારે ત્યાં કપિલ વિક્રમભાઈ મહેશ્વરી રહે, શ્રી શ્યામ રેસીડેન્સી રાંધેજા હાજર મળી આવ્યો હતો. જેથી તેની અટકાયત કરીને અહીંથી અમૂલ પ્યોર ઘીના બાર પાઉચ, અમૂલ ઘીના ૧૫ કિલોના ચાર ડબ્બા તેમજ માખણ મિસરી કાઉ પ્યોર ઘીના છ ડબ્બા સહિત ૨૧૩ કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં જાણવાજો પણ દાખલ કરવામાં આવી છે. બીજી બાજુ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ ૬૮ હજાર ઉપરાંતનો જથ્થો સીઝ કરીને નમૂના તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને ટ્રેડર્સનું લાયસન્સ ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.જે પ્રકારે અખાદ્ય અને બનાવટી ચીજ વસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે તે જોતા અવારનવાર આ પ્રકારની તપાસ અને દરોડા પાડવા જરૃરી છે કેમકે લોકો રૃપિયા ખર્ચીને પણ અખાદ્ય ચીજ વસ્તુઓ ખાઈ બીમાર પડી રહ્યા છે.


Google NewsGoogle News