Get The App

લોદરા ગામેથી અઢી લાખ રૃપિયાની કફ સીરપની બોટલોનો જથ્થો ઝડપાયો

Updated: Aug 12th, 2023


Google NewsGoogle News
લોદરા ગામેથી અઢી લાખ રૃપિયાની કફ સીરપની બોટલોનો જથ્થો ઝડપાયો 1 - image


એસઓજીની મેડિકલ સ્ટોરમાં રેડ

પોલીસે ૧૨૭૪ કફ સીરપનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

માણસા : માણસા તાલુકાના લોદરા ગામે આવેલ એક મેડિકલ સ્ટોરના સંચાલક તેની દુકાનમાં તેમજ ઘરે ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગરનો કફ સીરપનો મોટો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની બાતમી ગઈકાલે ગાંધીનગર એસ.ઓ.જી. ને મળતા પોલીસે આ મેડિકલ સ્ટોર પર જઈ રેડ કરતા તેની દુકાન તેમજ ઘરેથી અઢી લાખથી વધુ કિંમતની ૧૨૭૪ કફ સીરપની બોટલો મળી આવતા પોલીસે મેડિકલ સ્ટોરના માલિકને ઝડપી તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર એસ.ઓ.જી પી.આઈ સહિતનો સ્ટાફ ગઈકાલે પોલીસ સ્ટેશન હાજર હતા તે વખતે પીએસઆઇ મસાણીને પાકી ચોક્કસ બાતમી મળી હતી કે માણસા તાલુકાના લોદરા ગામે શેરપુરા-૩ શેરીમાં રહેતો ૪૪ વર્ષીય અશ્વિનભાઈ સોમાભાઈ ગોકલાણી (ઠક્કર) તેની લોદરા ગામમાં બસ સ્ટેન્ડની સામે આવેલ મારુતી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગેરકાયદેસર અને પાસ પરમિટ વિનાનો નશાકારક કફ સીરપની બોટલોનો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે જે બાતમી આધારે પોલીસે પંચો સાથે લોદરા ગામે આવી આ મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા તેની દુકાનમાંથી કફ સીરપની ૧૯૫ રૃપિયાની કિંમતની એક એવી ૯૯ બોટલ મળી આવી હતી અને તે બોટલ જોતા તેમાં કોડેઈન  નામનું ડ્રગ્સ હોવાનું જણાતા પોલીસે તે અંગેનું લાયસન્સ માગ્યું હતું જે દુકાનદાર પાસે મળી આવ્યું ન હતું જેથી પોલીસે આ સિવાય બીજો જથ્થો ક્યાં છુપાવ્યો છે તે બાબતે પૂછપરછ કરતા તેણે પોતાના ઘરે બીજી કફ સીરપની બોટલો મૂકી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે દુકાનદારને સાથે રાખી તેના ઘરે તપાસ કરતા ત્યાંથી વધુ ૧,૧૭૫ કફ સીરપની બોટલો મળી આવી હતી જેથી પોલીસે કોડેઇનના ઘટક તત્વો વાળી દવાના ખરીદ,વેચાણ અને સંગ્રહનું લાયસન્સ ન હોવા છતાં તેમજ ડોક્ટરના પીસ્ક્રીપ્સન વગર વેચી ન શકાય તેવી બોટલોનો મોટો જથ્થો દુકાન સિવાય અન્ય જગ્યાએ નશા ના હેતુ સંગ્રહ કરી વેચાણ થતું હોવાનું જણાતા પોલીસે ૨,૪૮,૪૩૦ રૃપિયાની અલગ અલગ બ્રાન્ડની ૧૨૭૪ કફ સીરપની બોટલ તેમજ દુકાન માલિક પાસેથી ૭૭૦ રૃપિયા રોકડા અને ૫૦૦૦ રૃપિયાની કિંમતનો મોબાઇલ મળી કુલ ૨,૫૪,૨૦૦ રૃપિયા નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ દુકાનદાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 


Google NewsGoogle News