વલેટવા ચોકડી પરના ગોડાઉનમાંથી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
વલેટવા ચોકડી પરના ગોડાઉનમાંથી રાસાયણિક ખાતરનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ 1 - image


- સબસિડીવાળું ખાતર ઊંચા ભાવે કાળા બજારમાં વેચવામાં આવતું હોવાની સંભાવના

નડિયાદ : વડતાલ પોલીસે વલેટવા ચોકડી નજીક આવેલ ગોડાઉનમાંથી સબસીડીવાળા રાસાયણિક ખાતર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપી પાડતા ખળભળાટ વ્યાપી ગયો છે. વડતાલ પોલીસે યુરિયા ખાતરની થેલી નંગ ૨૫૦ કિંમત રૂ.૬૬,૬૩૩ તથા પાવડર ભરેલ થેલીઓ કબજે કરી હતી. આ બનાવ સંદર્ભે વડતાલ પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વડતાલ પોલીસે મળેલ બાતમી આધારે તા.૨૧/૧/૨૪ ના રોજ વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ પર સંકલ્પ ગોડાઉનમાં છાપો મારી તપાસ હાથ ધરતા યુરિયા ખાતરની ૨૫૦  થેલી તથા ખાતરનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ ૨૧ તથા ખાલી થેલીઓ નંગ ૧,૧૩૫ તેમજ અન્ય ખાતરની થેલીઓ મળી આવી હતી. 

જેથી પોલીસે ગોડાઉન પર હાજર ઈસમ પાસે રાસાયણિક ખાતરના જરૂરી આધાર પુરાવા બિલ માંગતા મળી આવેલ નહીં આ ઇસમની પૂછપરછ કરતા સલમાન મન્સૂરી (રહે. જેનબ ટાઉનશીપ, આણંદ) હોવાનું તેમજ આ ખાતર સલુણ (નડિયાદ)માં સહકારી મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ આપી જતો હતો તેને યુરિયા ખાતર ભરેલ થેલીના રૂ. ૩૦૫ જ્યારે લાલ કણવાળા ખાતર ભરેલ થેલીના રૂ. ૨૯૦ ચૂકવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. 

આ રાસાયણિક ખાતરની થેલીઓ ભેગી કરી રીપેકિંગ કરી ઊંચા ભાવે હષલ પટેલ નામનો ઇસમ ચિખલી ખાતે આવેલ કંપનીમાં મોકલતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. 

આ બનાવ અંગે વડતાલ પોલીસે સલમાન સલીમ મન્સૂરી, વિપુલ ચૌહાણ તેમજ હષલ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News