વડોદરા કોર્પોરેશનના સફાઈ કામદારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો: ફટાકડા ફોડી નિર્ણયને વધાવ્યો
વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
વર્ષોથી કાયમી નિમણૂક નહી પામેલા વડોદરા કોર્પોરેશનના સફાઈ કામદારોને રોજિંદારી કરવા માટે કોર્પોરેશન દ્વારા આજે તેઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલ કાર્યક્રમના સ્થળની બહાર વાલ્મિકી સમાજના લોકોએ ફટાકડા ફોડી કોર્પોરેશનના નિર્ણયને વધાવી લીધો હતો.
વર્ષોથી કોર્પોરેશન માટે કામ કરતા વાલ્મિકી સમાજના લોકો જેઓ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે તેઓને આજે રોજિંદારી થવાના નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી સફાઈ કામદારોની તેઓને રોજિંદારી કરવાની માંગ પડતર હતી. જે માટે અનેક વખત તેઓએ આંદોલન અને વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી. તેના ફળ સ્વરૂપે વર્તમાન બોર્ડના મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓએ વર્ષોથી સફાઈ કામદારોની આ ભાવના સાથે જોડાયેલા પ્રશ્નના નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જે અંતર્ગત સમયાંતરે થયેલી બેઠક બાદ વિવિધ વોર્ડમાં રોજિંદારી તરીકે કામ કરતાં સફાઈ સેવકોને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પાલિકાની સભાએ પણ નિર્ણયને બહાલી આપી હતી. જેના આધારે આજે તેઓના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
વાલ્મિકી સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, અમારા સમાજના લોકો કોર્પોરેશનમાં વર્ષોથી જવાબદારીથી કામ કરે છે તેના ફળ સ્વરૂપે આજે અમને બમ્પર ઓફર મળી રહી છે. કોર્પોરેશને લીધેલા નિર્ણયને અમે વધારીએ છીએ. સમાજના લોકો ખૂબ આતુરતાથી આ નિર્ણયની લાંબા સમયથી રાહ જોતા હતા. હવે રોજિંદારી કરવામાં આવતા તેમને પોતાનો હક મળ્યો છે. આ માટે વાલ્મિકી સમાજ દ્વારા જે રાહ જોવાતી હતી તેને અનુલક્ષીને પાલિકાએ જે નિર્ણય લીધો છે તેને અમે વધાવી દઈએ છીએ અને ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત તમામ પદાધિકારીઓ અને પક્ષના અગ્રણીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ.