વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ રજા પર ગયેલો કેદી ફરાર થઈ ગયો
Vadodara News : વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતા પેરોલ મંજૂર થતાં 16 ઓગસ્ટના રોજ મુક્ત કર્યો હતો. 20ઓગસ્ટના રોજ પરત જેલમાં હાજર થવાના બદલે બારોબાર ફરાર થઈ ગયો હતો. જેથી જેલરે કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં આવેલી સૌથી મોટી સેન્ટ્રલ જેલમાં વિવિધ પ્રકારના કેદીઓ સજા કાપતા હોય છે. ત્યારે જેલમાં આણંદ જિલ્લાના રૂપિયા પુરા ગામે રહેતા મથુર ભીખા ઠાકોર પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો. દરમિયાન કેદીએ ત્રણ દિવસ માટે પેરોલ રજા મેળવવા અરજી કરી હતી. જે અરજી મંજૂર થતા તેની ત્રણ દિવસની રજા પણ સ્વીકાર્ય બની હતી. જેને લઈને કેદીને 16 ઓગસ્ટ 2024 ના રોજ જેલમાંથી પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. 20 ઓગસ્ટ 2024 ના રોજ આ કેદીની રજા પૂર્ણ થતી હોય પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ આ કેદી હાજર નહી થઈને બારોબાર ફરાર થઇ ગયો હતો. જેલર જે જે પરમારે કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.