નાગરવાડામાં પોલીસ વાનના ડ્રાઇવરે ગેરેજ મિકેનિકને ટક્કર મારી
ચોખંડી વિસ્તારમાં પોલીસ વાનની ટક્કર વાગતા ફ્રૂટની લારીનો કચ્ચરઘાણ
વડોદરા,નાગરવાડા પાસેથી ચાલતા જતા ગેરેજ મિકેનિકને પોલીસ વાને ટક્કર મારતા ઇજા થઇ હતી. પોલીસ વાનનો ડ્રાઇવર તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં જ છોડીને જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત મિકેનિક સારવાર માટે જાતે જ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.
બનાવની વિગત એવી છે કે, ગઇકાલે રાતે તાજીયના જૂલુસ દરમિયાન નાગરવાડા વિસ્તારમાંથી ચાલતા જતા ૬૫ વર્ષના ગેરેજ મિકેનિક રઇશખાન શેખને પોલીસ વાનના ડ્રાઇવરે ટક્કર મારતા તેઓને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાના બદલે પોલીસ વાનનો ડ્રાઇવર તેઓને સ્થળ પર જ છોડીને રવાના થઇ ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત જાતે જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ગયા હતા.
જ્યારે અન્ય એક બનાવની મળતી માહિતી મુજબ, બરાનપુરાથી ચોખંડી તરફ જવાના રોડ પરથી એક ફ્ટની લારી જઈ રહી હતી. તે દરમિયાન પોલીસની વાને લારીને ટક્કર મારતા લારીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ફ્ટ વેરણ-છેરણ થઈ ગયું હતું.
પોલીસની વાન જતી રહ્યા બાદ લારીધારક અને સ્થાનિક લોકો વાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સમાધાન થયું હતું. જો કે, લારીધારકનું કહેવું છે કે, પોલીસે મને બે હજાર રૃપિયા આપ્યા છે અને તારો વાંક છે. તેવું કહીને રવાના કરી દીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં બંને પક્ષે અંદરોઅંદર સમાધાન કરી લીધું છે.