વાડી સ્વામિ નારાયણ મંદિરમાં થયેલા દુષ્કર્મ કેસની તપાસ માટે પોલીસની ટીમ વડતાલ પહોંચી
પીડિતાનું સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન હજી લેવાયું નથી : માતા પિતાનું નિવેદન નોંધતી પોલીસ
વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગતપાવનદાસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સ્વામીને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી છે. પોલીસની એક ટીમ તપાસ માટે વડતાલ ગઇ છે. જ્યાં હાજર સ્વામીના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આજે પણ પીડિતા બીમાર હોવાથી તેનું સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન લેવાયું નથી.
માત્ર ૧૪ વર્ષની ઉંમરે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગતપાવનદાસ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૃમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. જોકે, બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. એક તરફ જે.પી. સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે બીજી તરફ સતત ત્રણ દિવસથી પીડિતાનું સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન કોઇ ને કોઇ કારણસર લેવાયું નથી. આજે પણ પીડિતાની તબિયત સારી નહીં હોવાથી નિવેદન લઇ શકાયું નથી.
દરમિયાન પોલીસની એક ટીમ આજે વડતાલ તપાસ માટે ગઇ હતી. જે.પી.સ્વામી વડતાલ રહેતા હોવાથી ત્યાં રહેતા અન્ય સ્વામીના નિવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન પીડિતાના માતા - પિતાનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે, પોલીસે નિવેદન લેવા તેઓને બોલાવ્યા ત્યારે જ બનાવની જાણ તેઓને થઇ હતી.
કાનૂની કાર્યવાહી જાણતા જે.પી. સ્વામી પોલીસને હાથતાળી આપી રહ્યા છે
સ્વામીએ બે વર્ષ પહેલા વાડી પોલીસ સ્ટેશનમાં જ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી
વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવનદાસજીએ વાડી પોલીસ સ્ટેશનમાં તા. ૧૦ - ૦૪ - ૨૦૨૨ ના રોજ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,અમારા મંદિરની આજુબાજુ દુકાનો આવેલી છે.જેના ભાડાની આવકમાંથી મંદિરનો વહીવટી ખર્ચ નિભાવવામાં આવે છે.વાડી પોસ્ટ ઓફિસને અડીને આવેલી ૨૫૦ ચો.ફૂટની દુકાનમાં ડો.મહેન્દ્ર પટેલ તથા ડો.ધુ્રપેન મહેન્દ્રભાઇ પટેલે (બંને રહે.શ્રેયા પાર્ક, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર) ગેરકાયદે રીતે કબજો જમાવીને દવાખાનુ શરૃ કર્યુ છે. અમને દુકાનની જરૃરિયાત ઉભી થતા અમે આ દુકાનના ભાડૂતને દુકાનનો કબજો મંદિરને સોંપવા માટે જાણ કરી હતી.પરંતુ,તેઓએ દુકાનનો કબજો અમને સોંપ્યો નથી. તેઓ વારંવાર અમને ધમકી આપતા હતા કે,સાધુને કાયદા કાનૂનની ખબર પડે નહીં.તમને કાયદાના ચક્કરમાં ફસાવી દઇશું. આ ફરિયાદ હજી કોર્ટમાં પેન્ડિંગ છે. અગાઉ પણ કાનૂની કાર્યવાહી કરનાર જે.પી. સ્વામી કાયદા અને પોલીસ કાર્યવાહીના જાણકાર હોઇ પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યા છે.