બુટલેગરના ઘરે પોલીસનો દરોડો વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
બુટલેગરના ઘરે પોલીસનો દરોડો વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા પંથકના ચંદ્રાલામાં

ઘર અને કારમાંથી દેશી-વિદેશી દારૃ પકડાયો : ૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત ફરાર : બુટલેગરની શોધખોળ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકમાં ચંદ્રાલા ગામનો બુટલેગર ઘરે દારૃનું વેચાણ કરતો હોવાની માહિતીને પગલે એલસીબીની ટીમે દરોડો પાડીને દેશી વિદેશી દારૃનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. ૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરની શોધખોળ શરૃ કરી હતી.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામા   આવી રહ્યો છે ત્યારે જિલ્લામાં પણ નાના મોટા બુટલેગરો દ્વારા તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને દારૃના આવા જથ્થાને પકડી રહી છે. ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ચંદ્રલા ગામમાં સાદરીયા વાસમાં રહેતો ખોડાજી રમતુંજી ઠાકોર તેના ઘરમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડયો હતો પરંતુ ઘરે કોઈ મળી આવ્યું ન હતું. પોલીસે ઘરમાં તપાસ કરતા વિદેશી દારૃની ૧૧૩ જેટલી બોટલ મળી આવી હતી તેમજ મકાનની ઓસરીમાં રહેલા પીપમાંથી પણ ૩૫ લીટર જેટલો દેશી દારૃ મળી આવ્યો હતો તો પોલીસે બુટલેગરના ઘર આગળ પાર્ક થયેલી કારમાં તપાસ કરતા તેમાં પણ દારૃનો જથ્થો મળ્યો હતો. આમ પોલીસે કુલ ૫.૩૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો અને બુટલેગર ખોડાજી રમતુજી  ઠાકોર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરી હતી. તેના ઝડપાયા બાદ જ માલુમ પડશે કે આ દારૃનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને કોને વેચવામાં આવતો હતો.


Google NewsGoogle News