ગાંધીનગરમાં આંકડો ઓછો બતાવવા ટીબીના દર્દીઓને જિલ્લા બહાર ધકેલી દેવાનું કારસ્તાન

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ગાંધીનગરમાં આંકડો ઓછો બતાવવા ટીબીના દર્દીઓને જિલ્લા બહાર ધકેલી દેવાનું કારસ્તાન 1 - image


અધિકારીઓ આંકડાની માયાજાળ રચી કાગળ પર ટીબી મૂક્ત ભારત બનાવી રહ્યા છે

સિવિલમાં ટીબી ડિટેક્ટ થયા બાદ દર્દીને નરોડા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલી દેવાયાઃદર્દીને ત્યાં પણ દવા કે કિટ ન મળી

ગાંધીનગર :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાંથી ટીબીને નાબુદ કરવા માટે આહ્વાહન કરવામાં આવ્યું છે જેના પગલે કરોડોની ગ્રાન્ટ વાપરીને કામો પણ કરવામાં આવતા હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા બતાવવામાં આવે છે પરંતુ અન્ય જિલ્લાના દર્દી જો ગાંધીનગરમાં ડિટેક્ટ થાય તો તેમને ત્યાં જ દવા-સારવાર લેવા માટે ધકેલી દેવામાં આવે છે તો આ દર્દી જ્યાંના રહેવાશી હોય છે ત્યાં પણ ઓનલાઇન રિપોર્ટની રાહ જઇને દર્દીને તાત્કાલિક દવા કે કિટ મળતી નથી.

ટીબીમુક્ત ભારત કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ગામે ગામ તથા સંવેદનશીલ વિસ્તારોમાં જઇને પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. કરોડો રૃપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીને નાબુદ કરવા માટે કરોડો રૃપિયા ખર્ચવામાં આવે છે મોંઘી અને મોટી હોટલોમાં વર્કશોપ રાખીને મોટા-મોટા બીલો પણ પાસ કરવામાં આવે છે તેમ છતા દર્દીઓને દવા માટે ટળવળવું પડે છે. જો કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટીબી ચેસ્ટ વિભાગના નિષ્ણાંત તબીબ સહિતની કામગીરી સારી છે પરંતુ બહારના જિલ્લાના દર્દીઓને કડવો અનુભવ થઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા અમદાવાદની ફેક્ટરીમાં કામ કરતા એક વ્યક્તિએ ગાંધીનગર સિવિલમાં નિદાન કરાવ્યું તો તેમને ટીબી પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું પરંતુ અહીંથી કોઇ જ પ્રકારની દવા આપવામાં આવી ન હતી. એચઆઇવી સહિતના અન્ય ટેસ્ટ પણ કરાવ્યા પરંતુ અહીંથી કોઇ દવા કે કિટ આપવામાં આવી ન હતી અને આ દર્દીને નરોડાના આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સુચના આપવામાં આવી હતી. જ્યાં પણ આ દર્દી ગયા હતા પરંતુ ત્યાં પણ ઓનલાઇન કોઇ રિપોર્ટ કે રજીસ્ટ્રેશન નહીં થયું હોવાને કારણે તેમને કોઇ કિટ આપવામાં આવી ન હતી તથા અન્ય સેન્ટરમાં જવા માટે પણ કહ્યું હતું. આમ, જિલ્લામાં કેસનો આંકડો વધે નહીં તે માટે બહારના દર્દીઓને ધકલી દેવાની નીતિ ચાલી રહી છે. જેનાથી દર્દીના દર્દમાં વધારો થઇ રહ્યો છે. 


Google NewsGoogle News