બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૃની ૨૮૮ બોટલો સાથે પીકઅપ વાન પકડાઇ

સરદાર એસ્ટેટમાં ડિલીવરી આપવા જતો પીકઅપ વાનનો ડ્રાયવર ઝડપાયો : માલ મોકલનાર અને મંગાવનારની શોધખોળ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૃની ૨૮૮ બોટલો સાથે પીકઅપ વાન પકડાઇ 1 - image

 વડોદરા,આજવા રોડ સરદાર એસ્ટેટ વિસ્તારમાં વિદેશી દારૃની ડિલીવરી કરવા માટે પીક અપ વાન લઇને આવેલા ડ્રાઇવરને બાપોદ પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ૫.૨૮ લાખની કિંમતનો બ્રાન્ડેડ દારૃનો જથ્થો કબજ ે લઇ દારૃ મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.

બાપોદ  પોલીસને માહિતી મળી હતી કે, સફેદ કલરની બોલેરો જીપમાં વિદેશી દારૃનો જથ્થો આજવા ચોકડી થઇ સરદાર એસ્ટેટમાં ઉતરવાનો છે. જેથી, બાપોદ  પી.આઇ. એમ.આર.સંગાડાની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન બોલેરો જીપ આવતા તેને કોર્ડન કરીને ઉભી રાખી તપાસ કરી હતી. ડ્રાઇવરે  પોતાનું નામ બિજેન્દર ઉર્ફે લલિત ઇશ્વરસિંગ શર્મા ( રહે. સંડવા ગામ, મંદિરની પાસે, તા. તોસામ, જિ.ભીવાની, હરિયાણા) હોવાનું જાણવા મળ્યું હતું. પીકઅપ વાન ખોલાવીને તપાસ કરતા અંદરથી મોંઘી બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. વરસાદ પડતો હોય તેમજ ગણપતિની સવારીઓ નીકળતી હોય પોલીસ  પીક અપ વાનને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પીક અપ વાનમાંથી બ્લેન્ડર, સિગ્નેચર, બેલેન્ટાઇન તથા જોની વોકર રેડ લેબલની બોટલો મળી આવી હતી. ડ્રાઇવરે પોલીસને જણાવ્યું હતું કે, મારો મિત્ર નવીન જાટ ( રહે. ગુરૃગ્રામ,  હરિયાણા) ખાતે ટ્રાન્સપોર્ટ ચલાવે છે. તેણે આ દારૃનો જથ્થો ભરી સરદાર એસ્ટેટમાં ડિલીવરી આપવા માટે જણાવ્યું હતું. જેનો મોબાઇલ નંબર આપ્યો હતો. પોલીસે દારૃની ૨૮૮ બોટલો કિંમત રૃપિયા ૫.૨૮ લાખ, મોબાઇલ ફોન, પીક અપ વાન મળી કુલ રૃપિયા ૧૦.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


અગાઉ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પણ

 સરદાર એસ્ટેટમાંથી લાખોના દારૃ સાથે લિસ્ટેડ બૂટલેગરને ઝડપી પાડયો હતો

દર વખતે સરદાર એસ્ટેટમાં જ દર વખતે થતી દારૃની ડિલીવરી અંગે તપાસ 

વડોદરા,સરદાર એસ્ટેટમાં ગયા વર્ષે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વેશ પલટો કરીને વોચ ગોઠવીને લાખોની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. જેમાં એક લિસ્ટેડ બૂટલેગર  સ્થળ પરથી રંગેહાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય બૂટલેગર પાછળથી પકડાયો હતો. આ ચકચાર ભર્યા  કેસમાં તે સમયે બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. તથા સ્ટાફ સામે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ગઇકાલે પકડાયેલો દારૃ પણ સરદાર એસ્ટેટમાં જ ઉતારવાનો હતો.  આ અગાઉ  વર્ષ - ૨૦૧૭ માં  પણ સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી જ દારૃ પકડાયો હતો. સરદાર એસ્ટેટ ઔદ્યોગિક એકમ છે. ત્યાં ઉદ્યોગોની આડમાં વિદેશી દારૃનું નેટવર્ક ચલાવનાર આરોપીની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવે તો આ નેટવર્ક બંધ થાય તેમ છે.


Google NewsGoogle News