સયાજીમાં સારવાર લેતા એક દર્દીનું પાંચ દિવસની સારવાર બાદ મોત
ચોવીસ કલાકમાં હીટવેવનો નવો એક દર્દી સયાજીમાં સારવાર માટે દાખલ
વડોદરા,ગરમીનો પારો નીચે ઉતરતા હીટ વેવના કારણે બીમાર પડતા દર્દીઓની સંખ્યા ઘટી છે. તેમજ મોતનો આંકડો પણ ઓછો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક વ્યક્તિનું મોત થયું છે.
છેલ્લા ૧૦ દિવસથી આકાશમાંથી અગન ગોળા વરસાવતી ગરમીમાં બીમાર,અશક્ત અને સિનિયર સિટિઝનોના મોતના કિસ્સા વધ્યા હતા. ગભરામણ, ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા હતા. પરંતુ, બે દિવસથી ગરમીનો પારો નીચે ઉતરતા હીટ વેવના કિસ્સામાં ઘટાડો થયો છે. સયાજી હોસ્પિટલમાં નવો એક કેસ નોંધાયો છે. જ્યારે ત્રણ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલમાં ૧૨ પુરૃષ અને ચાર મહિલાઓ મળી કુલ ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી બે દર્દીઓને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ચોવીસ કલાક દરમિયાન હીટ વેવના કારણે બીમાર પડનાર મુકેશભાઇ સંપતભાઇ માલી ( ઉં.વ.૪૪) (રહે. પ્રતાપનગર)નું પાંચ દિવસની સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે મકરપુરાની મનહર પાર્ક સોસાયટીમાં રહેતા ૮૫ વર્ષના કામેશ્વર પ્રસાદ સિંગે ગઇકાલે ઘરે રસમલાઇ ખાધા પછી તબિયત બગડી હતી. તેઓને ગભરામણ અને છાતીમાં દુખાવો થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ,તેઓનું મોત થયું છે.