સયાજી હોસ્પિટલમાં ચોથા માળેથી દર્દીએ ભૂસકો માર્યો

બોરસદનો યુવક ઉલટી અને ચક્કરની સારવાર માટે આવ્યો હતો

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલમાં ચોથા માળેથી દર્દીએ ભૂસકો માર્યો 1 - image

 વડોદરા,સયાજી હોસ્પિટલમાં સારવાર માટે  દાખલ થયેલા દર્દીએ ચોથા માળેથી નીચે ભૂસકો મારી આપઘાતનો પ્રયાસ  કર્યો છે. જેના કારણે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉપસ્થિત થયા છે.

મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના વાસણા ગામે રહેતા ૩૫ વર્ષના મિનેશ ગોકળભાઇને ઉલટી અને ચક્કર આવતા તેને સારવાર માટે ગત તા. ૨૮મી એ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે બપોરે તેણે ચોથા માળેથી નીચે ભૂસકો માર્યો હતો. જેના કારણે હોસ્પિટલમાં નાસભાગ મચી  ગઇ હતી. કોઇએ જઇને તેના  પિતાને જાણ કરતા તેના પિતા દોડી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,  હું બ્લડનો રિપોર્ટ કઢાવવા માટે  ગયો હતો. તે દરમિયાન આ બનાવ બન્યો છે. મારા  પુત્રે આવું કેમ કર્યુ તેની મને જાણ નથી.

ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા અંગે અગાઉ પણ સવાલો ઉઠયા છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ  દર્દી બેડ પરથી ઉભો થઇને વોર્ડની બહાર દોડી જઇ ભૂસકો મારે છે. ત્યાં સુધી કોઇ સિક્યુરિટી જવાન તેને રોકતો નથી.


Google NewsGoogle News