બસમાં બેસવા જતા મુસાફરનો ૨૫ હજારનો મોબાઈલ ચોરાયો
પોલીસ મથકમાં મુસાફર દ્વારા ફરિયાદ કરાઈ તહેવારો શરૃ થતા ગઠિયા સક્રિય થયા
રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો
આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે. પરંતુ
શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તે પ્રકારે અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો
સામનો કરવો પડે છે દિવસ દરમિયાન બસમાં બેસવા જઈ રહેલા મુસાફરને ભોગ બનવું પડે છે.
ત્યારે એક મુસાફરના રૃપિયા ૨૫ હજારનો મોબાઈલ ચોરાયો હતો. જે અંગે સેક્ટર- ૭ પોલીસ
મથકમાં મુસાફર દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે. ડેપોમાં મુસાફર ભોગ બનતા અન્ય
મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાયો છે. થોડા સમય અગાઉ કીમતી મોબાઇલની ચોરી કરવામાં
આવી હતી. સીસીટીવી હોવા છતાં ગઠિયાઓ કળા
કરીને ફરાર થઈ જાય છે મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય
વિસ્તારની બસોમાં મુસાફરી કરવા માટે આવતા
મુસાફરોને હાલમાં અસુરક્ષિત રીતે મુસાફરી કરવાની નોબત આવી છે. તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ડેપોમાં દિવસ દરમિયાન
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તો મુસાફરો પણ સુરક્ષિત રીતે આવન-જાવન કરી શકે એમ
છે.