નફાના રૃ.1 કરોડ માંગનાર ભાગીદારને ઇમેલ પર ધમકી,તારા પરિવારના પુરૃષોના ગળા કાપી નાંખીશ
ઓફિસના સ્ટાફને પણ ધમકી,નોકરી છોડી દો નહિંતર કંપની ટેકઓવર કરી બરબાદ કરીશ
વડોદરાઃ મુંબઇ અને વડોદરાના બે ભાગીદારો વચ્ચે રૃ.૨ કરોડના નફાના મુદ્દે તકરાર થતાં વડોદરાના ભાગીદારને મેલ પર પરિવારના પુરૃષ સભ્યોના ગળા કાપવાની અને ઓફિસ સ્ટાફને નોકરી છોડી દેવાની ધમકીઓ મળી હોવાની ફરિયાદ નોંધાઇ છે.ગોરવા પોલીસે મુંબઇના ભાગીદાર સામે ગુનો નોંધ્યો છે.
વડોદરાના રિફાઇનરી રોડના ઉમેદભાઇ પાર્કમાં રહેતા અને ગોરવાના ઓરો સ્કવેર ખાતે પ્રભા કન્ટીન્યઅસ યુટિલિટી સર્વિસિસ નામની ઓફિસ ધરાવતા સુનિલભાઇ ચૌધરીએ પોલીસને કહ્યું છે કે,મુંબઇમાં થાણે વેસ્ટ ખાતે રહેતા અને પ્રગિત એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ સર્વિસિસ નામની કંપની ચલાવતા કિશોર જગદીશભાઇ રણાવરે સાથે મારે ૭ વર્ષ પહેલાં આસામના ટેન્ડર બાબતે પરિચય થયો હતો.ત્યારબાદ અમારી વચ્ચે ધંધાકીય સબંધ વિકસ્યા હતા.
દહેજ ખાતે બિરલા કોપર કંપનીના એક કામમાં કિશોર રણાવરેએ અમારી સાથે ભાગીદારી કરી હતી.આ કામ પેટે નફાની વહેંચણી ૫૦ ટકા પ્રમાણે રાખી હતી.જેમાં અમોને કુલ રૃ.૨ કરોડનો નફો થયો હતો.પરંતુ કિશોર રણાવરે કોઇને કોઇ બહાના કાઢી મારા ભાગના રૃ.૧ કરોડ આપતા નહતા.
સુનિલભાઇએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મુંબઇના ભાગીદાર ઇમેલ કરીને મારા પરિવારના પુરૃષ સભ્યોનું ગળું કાપવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત મને મુંબઇની પોલીસ કમિશનરની ઓફિસમાં સરન્ડર થવાની પણ ધમકી આપતા હતા.મારી ઓફિસ સાથે તેમને કોઇ નિસ્બત નહિં હોવા છતાં મારા સ્ટાફને મેલ કરી નોકરી છોડી દેવા નહિંતર કંપની ટેકઓવર કરી તમામને બરબાદ કરી દઇશ તેવી ધમકી આપતા હતા.