Get The App

હાઉસિંગ સોસાયટીના નાણાંની ઉચાપત કરનાર પ્રમુખને એક વર્ષ કેદની સજાનો હુકમ

સોસાયટીના રૃ. 1.98 લાખની ઉચાપત કરી હતી, આરોપીની 82 વર્ષની ઉંમરને ધ્યાને રાખીને કોર્ટે પ્રોબેશનનો લાભ આપ્યો

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
હાઉસિંગ સોસાયટીના નાણાંની ઉચાપત કરનાર પ્રમુખને એક વર્ષ કેદની સજાનો હુકમ 1 - image


વડોદરા : ગોત્રી વિસ્તારમાં આવેલી પંચામૃત કો.ઓ.હાઉસિંગ સોસાયટીના સભ્યોના રૃ.૧.૯૮ લાખની ઉચાપત કરનાર સોસાયટીના તત્કાલીન પ્રમુખને કોર્ટે એક વર્ષ જેલની સજાનો હુકમ કર્યો છે. ૨૮ વર્ષ જૂના આ કેસમાં જો કે કોર્ટે પ્રમુખની ઉમરને જોતા રૃ.૫૦૦૦ના જામીન સાથે પ્રોબેશન ઉપર છોડી મુકવા સૂચના આપી છે.

ગોત્રી રોડ ઉપર લગભગ ૩૫ વર્ષ પહેલા બંધાયેલી ૨૬૧ મકાનોની પંચામૃત સોસાયટીમાં ૧૯૯૪માં પ્રમુખ પદે ચંદુભાઇ નારણભાઇ પટેલ હતા. ઉઘરાણી ક્લાર્ક તરીકેની જવાબદારી પણ તેઓ જ સંભાળતા હતા. દરમિયાન સોસાયટીના હિસાબના ઓડિટ વખતે ૨૫ નવેમ્બર ૧૯૯૪ના રોજ બંધ થતી સિલક પૈકી રૃ.૧,૯૮,૨૪૧નો હિસાબ ચંદુભાઇ પટેલ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતાં. આ બાબતની જાણ ઓડિટરે તે સમયના સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રારને કરતા તેઓની સૂચનાથી જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ૨૪ માર્ચ ૧૯૯૫ના રોજ ચંદુભાઇ પટેલ વિરૃધ્ધ રૃ.૧.૯૮ લાખની ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે     જૂન, ૧૯૯૫ના રોજ ચંદુભાઇ પટેલની ધરપકડ કરી હતી અને પોલીસ તપાસ દરમિયાન તેમણે કબૂલ્યુ હતું કે રૃ.૧.૯૮ લાખની રકમ કે જેમનો હિસાબ મળતો નથી તે તેઓએ પોતાના અંગત કામ માટે વાપરી નાખી છે.

આ બાબતે પોલીસ દ્વારા સોસાયટીના સભ્યોના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા જેમાં સાબિત થયુ હતુ કે સોસાયટીની લોન પેટે સભ્યો દ્વારા જે હપ્તા ભરવામાં આવતા હતા તે હપ્તા પૈકીની આ રકમ પ્રમુખે સોસાયટીના ખાતામાં જમા કરાવવાના બદલે પોતે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં વડોદરા સિવિલ કોર્ટના ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુશ્તાકઅહેમદ શકુરભાઇ બાકીએ બન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હુકમ કર્યો હતો કે આરોપી વિરૃધ્ધ આઇપીસીની કલમ ૪૦૩ અને ૪૦૮ મુજબ ગુનો સાબિત  થાય છે. કલમ ૪૦૩ મુજબ ૬ મહિના અને કલમ ૪૦૮ મુજબ એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવે છે. જો કે આરોપીની ૮૨ વર્ષની ઉંમર અને ભૂતકાળમાં કોઇ ગુનો કર્યો નથી તે ધ્યાનમાં લઇને સીઆરપીસીની કલમ ૩૬૦ (૧) અન્વયે પ્રોબેશન ઉપર મુક્ત કરવામાં આવે છે.


Google NewsGoogle News