વડોદરા,અમદાવાદ અને સુરતમાંથી ચોરેલી બાઇક રાજસ્થાનમાં વેચવાનું કૌભાંડઃ3 વાહનચોર પકડાયા
વડોદરાઃ ગુજરાતના વિવિધ શહેરોમાંથી કિંમતી મોટરસાઇકલોની ઉઠાંતરી કરી રાજસ્થાનમાં સસ્તામાં વેચી દેવાના કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.પોલીસે છ મોટર સાઇકલ કબજે કરી છે.
વડોદરામાંથી વાહનોની ઉઠાંતરીના બનાવો અટકાવવા માટે તેમજ ચોરેલા વાહનો શોધવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સ મારફતે વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે ગોલ્ડન ચોકડી પાસેથી બે મોટર સાઇકલ પર પોલીસે ત્રણ શકમંદોને ઝડપી પાડી પૂછપરછ કરતાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટર સાઇકલોની ઉઠાંતરી કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
પોલીસે પકડેલાઓમાં મહાવીર નારાયણ લાલ ચંદેલ(ખટીક)(પાન્ડેસરા,સુરત મૂળ કુમારનાડા,રાજસમંદ,રાજસ્થાન),વિરેન્દ્રસિંગ ખંગારસિંગ રાવત(સ્વરુપા બાગમાલ ગામ,બીયાવર,રાજસ્થાન) અને લોકેશસિંગ ગુલાબસિંગ રાવત(ખડમાલ,બીયાવર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
પોલીસે તેમની પાસે બે મોટર સાઇકલ કબજે કરી કાગળો માંગતા મળી આવ્યા નહતા.તેમણે આ બે બાઇક સાથે કુલ ત્રણ મોટરસાઇકલ સમા-સાવલી રોડ પર પાર્કિંગ ખાતેથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી ચોરી હોવાની વિગતો ખૂલી હતી.જ્યારે, અમદાવાદમાંથી એક સ્કૂટર અને સુરતના કામરેજ અને ઉધનામાંથી પણ ત્રણ બાઇક ચોર્યાની કબૂલાત કરી હતી.
ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇક સસ્તી કિંમતે વેચવા માટે મહાવીર ચોરેલી મોટર સાઇકલો પોતાના ગામમાં છુપાવી રાખતો હોવાની વિગતો ખૂલતાં પોલીસે રાજસ્થાનમાં છુપાવેલી સુરતની ત્રણ મોટરસાઇકલ પણ કબજે કરી હતી.
ગોલ્ડન ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની બે બાઇકને ચેક કરતાં ભાંડો ફૂટયો
ગોલ્ડન ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની બે મોટર સાઇકલ પર પસાર થતા ત્રણ યુવકોને જોઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમને શંકા જતાં ત્રણેયને અટકાવી પૂછપરછ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન ત્રણેય જણાએ ગોળગોળ જવાબો આપતાં પોલીસે એન્જિન નંબર અને ચેસીઝ નંબર પરથી તપાસ કરાવી હતી.પીઆઇ આર જી જાડેજા અને ટીમે લાંબી તપાસ કરતાં ગુજરાતના શહેરોમાં ઉતરતી રાજસ્થાની ગેંગ બુલેટ અને યામ્હા જેવી મોટર સાઇકલો ચોરી રાજસ્થાનમાં મહાવીર ના ગામમાં છુપાવતા હોવાની માહિતી ખૂલી હતી.જેથી પોલીસે મહાવીરના સગાંનો સંપર્ક કરી ગામમાં છુપાવેલી સુરતની ત્રણ બાઇક મંગાવી લીધી હતી.
ત્રણેય વાહનચોરોના મોબાઇલ કબજે, ફોરેન્સિકની મદદ લેશે
ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ત્રણેય વાહનચોરોનું નેટવર્ક જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી.પરંતુ તેમણે ગલ્લાતલ્લા કર્યા હતા.જેથી પોલીસે ત્રણેયના મોબાઇલ કબજે લઇ લોકેશનો તેમજ કોલ ડીટેલના આધારે નેટવર્કની તપાસ કરવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેનાર હોવાનું જાણવા મળ્યું છે.