Get The App

ATMમાંથી રૃપિયા કાઢવાની નવી તરકીબઃ રૃપિયા બહાર આવવાની જગ્યાએ પટ્ટી મૂૂકી દેતી ગેંગ પકડાઇ

બારડોલીમાં ગુના આચરનાર યુપીની ગેંગ વડોદરામાં ગુનાની શરૃઆત કરે ત્યાંજ પકડાયા

Updated: Sep 7th, 2023


Google NewsGoogle News
ATMમાંથી રૃપિયા કાઢવાની નવી તરકીબઃ રૃપિયા બહાર આવવાની જગ્યાએ પટ્ટી મૂૂકી દેતી ગેંગ પકડાઇ 1 - image

વડોદરાઃ એટીએમમાંથી ગ્રાહકોના રૃપિયા તફડાવવાની તદ્દન નવી જ તરકીબ અજમાવનાર યુપીની ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.પોલીસે બે સાગરીતોને ઝડપી પાડી ફરાર થયેલા બીજા બે સાગરીતોની શોધ હાથ ધરી છે.

હરણીરોડ પર સંગમ ચારરસ્તા પાસે નારાયણ એલિગન્સ કોમ્પ્લેક્સમાં આવેલા ઉજ્જીવન સ્મોલ બેન્કના એટીએમમાં ગઇ તા.૨૩મીએ બપોરે કેશ ડિપોઝિટ કરવા ગયેલી ટીમને એરર દેખાતાં તેમણે ટેકનિશિયનને બોલાવી તપાસ કરાવી હતી. જે દરમિયાન મશીનમાંથી રૃપિયા નીકળતા હોય તે જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી મળી આવતાં બેન્ક અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

અધિકારીઓએ કેમેરા ચેક કરતાં તા.૨૩મીએ સવારે ૭.૫૬ વાગ્યાથી ૮.૩૩ ના સમયગાળા દરમિયાન ત્રણ અજાણ્યા યુવકો પટ્ટી મારતા દેખાયા હતા.જેથી તેમણે પોલીસને જાણ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ આઇ ભાટી અને ટીમે તપાસ કરી ખોડિયારનગર નજીકથી અલ્ગુરામ વર્મા (સ્ટાર રો હાઉસ,મોટાટેકરા,સુરત મૂળ આઝમગઢ,યુપી) અને શુભમ ઉર્ફે આકાશ રમેશચંદ્ર સરોજ(શિવમ સોસાયટી,બારડોલી, સુરત મૂળ યુપી)ને ઝડપી પાડયા હતા.

આ બંને આરોપીઓ સંગમ ચારરસ્તા નજીક એટીએમમાં રૃપિયા નીકળતા હોય તે જગ્યાએ પટ્ટી નાંખી હોવાની વિગતો ખૂલી હતી.પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમની પટ્ટી નાંખી હોય તો ગ્રાહકના રૃપિયા બહાર નથી આવતા.જેથી તે કંટાળીને બહાર નીકળે એટલે આ ગેંગ પટ્ટી કાઢીને રૃપિયા કાઢવાની તરકીબ અજમાવતી હતી.

પોલીસની તપાસમાં આ ગેંગના બીજા બે સાગરીતો ફરાર થઇ ગયા હોવાની વિગતો ખૂલી છે.તેમની સામે બારડોલીમાં ગુનો નોંધાયો હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે.વડોદરામાં ગુનાખોરીની શરૃઆત કરે ત્યાંજ તેઓ પકડાઇ ગયા હતા.જો આ ગેંગ સફળ થઇ હોત તો બેન્કો અને ગ્રાહકોને મોટું નુકસાન થાય તેમ હતું.

ATMમાંથી રૃપિયા કાઢવાની નવી તરકીબઃ રૃપિયા બહાર આવવાની જગ્યાએ પટ્ટી મૂૂકી દેતી ગેંગ પકડાઇ 2 - imageATMમાંથી રૃપિયા કાઢવાની તરકીબ માટે યુટયુબ પર સર્ચ કર્યું હતું

એટીએમમાંથી રૃપિયા કેવી રીતે કાઢવા તે જાણવા માટે યુપીના યુવકોએ યુટયુબ પર સર્ચ કર્યું હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વગર મહેનતે મોટી રકમ હાથ કરવા માટે ચાર મિત્રોએ સોશ્યલ મીડિયા પર સર્ચ કર્યું હતું.જે પૈકી તેમણે એટીએમમાંથી રૃપિયા કાઢતા રોકવા માટેની તરકીબ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની પૂછપરછમાં આ પ્રકારની માહિતી બહાર આવતાં બંને આરોપીના મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે.જેના પરથી તેમની સર્ચ હિસ્ટ્રી તેમજ સંપર્કોની વિગતો જાણવા મળશે.

ઓછી ભીડ થતી હોય તેવા ATM ની પસંદગી કરતા હતા

ગ્રાહકોના રૃપિયા એટીએમમાંથી બહાર ના આવે તે માટે રૃપિયા અટકાવવા માટે એટીએમમાં પટ્ટી લગાવી દેતા ભેજાબાજ સાગરીતોએ તેમનું કામ આસાન બની જાય તે માટે ભીડ ઓછી થતી હોય તેવા એટીએમને પસંદ કરવાનું નક્કી કર્યું હોવાની પોલીસને માહિતી મળી છે.


Google NewsGoogle News