શિક્ષણ સમિતિની જાસપુર પ્રા.શાળામાં ૨૭ વર્કિંગ મોડેલ સાથે નવી સાયન્સ લેબ.નો પ્રારંભ કરાયો
વિદ્યાર્થીઓના અભ્યાસ કોર્સમાં છે તેવા વર્કિંગ મોડેલ મૂકવામાં આવ્યા
વડોદરા,વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પાદરા તાલુકા સ્થિત જાસપુર પ્રાથમિક શાળામાં નવી સાયન્સ લેબોરેટરી શરૃ કરાઇ છે. જેમાં ધો.૫ થી ૮ ના વિજ્ઞાાન અને ગણિતના વિવિધ મોડેલો મૂકવામાં આવેલા છે.
આ સાયન્સ લેબનું નામ માસ્ટ લેબ. છે. જેમાં 'એમ' એટલે મેથ્સ, 'એ' એટલે એસ્ટ્રોનોમી, 'એસ' એટલે સાયન્સ અને 'ટી' એટલે ટેકનોલોજી થાય છે. જાસપુર પ્રાથમિક શાળામાં ધો. ૧ થી ૮માં અંદાજિત ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના આચાર્યના કહેવા મુજબ રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્વયં શીખવાની તક પૂરી પાડવાનો છે. લેબ.માં ૨૭ વર્કિંગ મોડેલ છે. જ્યારે મેથ્સ, બાયોલોજીમાં શરીરના વિવિધ અંગો, માઇક્રોસ્કોપ વગેરે મળીને કુલ બાવન મોડેલ છે. જે વર્કિંગ મોડેલ છે તે વિદ્યાર્થીઓના અભ્યાસ કોર્સમાં છે. પુસ્તકોમાં જે મોડેલ છાપેલું હોય છે, તે જ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જોવા અને ઉપયોગ કરવા મળે છે. વર્કિંગ મોડેલ એટલે કે દા.ત. સેટેલાઇટ કઇ રીતે કામ કરે છે, પૃથ્વી તેની ધરી પર કેવી રીતે ફરે છે વગેરે. એક કંપનીના સીએસઆર દ્વારા આ લેબ.નું નિર્માણ કરાયું છે.