વડોદરામાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઇનો સપ્લાયર અને તેના સાગરીત પકડાયા
નવાબ ના વાડા વિસ્તારમાં પકડાયેલા એમડી ડ્રગ્સ કેસમાં બંને આરોપીને મુંબઇથી લવાયા
વડોદરાઃ નવાબના વાડા વિસ્તારમાંથી પકડાયેલા એમડી ડ્રગ્સના કેસમાં વડોદરા પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઇના બે સોદાગરને ટ્રાન્સફર વોરંટથી વડોદરા લાવી પૂછપરછ હાથ ધરી છે.
મચ્છીપીઠ નવાબના વાડા વિસ્તારમાં વડોદરા એસઓજીએ દરોડો પાડી એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૃ.૧૨ લાખ ઉપરાંતની મત્તા સાથે મો.કામિલ શેખ, રેહાના ઇમરાનખાન પઠાણ અને નિગત મો. કામિલ શેખને ઝડપી પાડયા હતા.
આ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મુંબઇથી સપ્લાય થયો હોવાની માહિતી ખૂલી હતી.જેથી વડોદરા પોલીસ અગાઉ તપાસ માટે મુંબઇ પણ ગઇ હતી.
દરમિયાનમાં મુંબઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તાજેતરમાં રૃ.૨ કરોડ ઉપરાંતની કિંમતના ૧ કિલોથી વધુ એમડી ડ્રગ્સ સાથે ફઝલ ઝાફરખાન(કાપડ ગલી,ગીલસાદ, માહિમ,મુંબઇ) અને સલ્લાઉદ્દીન અલ્લાઉદ્દીન શેખ(ચામુંડા મેડિકલની ગલી સામે,નયા નગર, માહિમ,મુંબઇ)ને ઝડપી પાડતાં તેમની વડોદરાના ગુનામાં સંડોવણી હોવાથી વડોદરા પોલીસને જાણ કરી હતી.જેથી વડોદરા પોલીસે બંનેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.